નરોડાના ભગતે અન્ય શખ્સ સાથે મળી મોડાસાના બે યુવકોને ONGCમાં નોકરીની લાલચ આપી ૧૭ લાખ ખંખેર્યા
પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: ઓ.એન.જી.સીમાં ઉંચા પગારની નોકરી મેળવવાની ઘેલછામાં અનેક યુવકોએ છેતરપિંડી કરતી ગેંગના સંપર્કમાં આવી લાખ્ખો રૂપિયા ગુમાવ્યા હોવાના કિસ્સાઓ અનેકવાર બન્યા છે તેમ છતાં “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે” જેવી કહેવતને સાર્થક કરતો કિસ્સો મોડાસામાં બન્યો છે જેમાં બાયડ બળિયાદેવના અને વર્ષોથી અમદાવાદન નરોડા વિસ્તારમાં રહેતા ભગત તરીકે જાણીતા શખ્શે અન્ય શખ્શ સાથે મળી મોડાસાની મોડાસાની રામપાર્ક સોસાયટીમાં રહેતા અને તેમના મિત્રના પુત્રને ઓ.એન.જી.સીમાં નોકરી આપવાની લાલચ આપી ૧૭ લાખ રૂપિયા પડાવી લઈ પરત નહિ આપતા રૂપિયા પણ ગયા અને નોકરી પણ નહિ મળતાં આબાદ છેતરપિંડીનો ભોગ બનેલ નિવૃત કર્મચારીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે શખ્શો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મોડાસા શહેરની રામપાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા નારાયણભાઈ શીવાભાઈ ચૌહાણને તેમના વેવાઇના લીધે સંપર્કમાં આવેલા ભગત તરીકે જાણીતા બાયડ બળિયાદેવના અને નરોડાની વ્યાસવાડી સામે રહેતા રાજુભાઈ ડાહ્યાભાઈ પારેખે પ્રશાંત ભાઈ નામના શખ્શ સાથે મળી તેમના પુત્રને ઓએનજીસીમાં ઉંચા પગારની નોકરી અપાવવાની લાલચ આપતાં વિશ્વાસમાં આવી ગયેલા નારાયણભાઈએ તેમના મિત્ર મુકેશભાઈ મગનભાઈ પ્રજાપતિને તેમના પુત્રને પણ ઓએનજીસીમાં નોકરી અંગે વાત કરી હતી ત્યારબાદ નારાયણભાઈ શીવાભાઈ ચૌહાણે તેમના પુત્ર માટે ૯ લાખ રૂપિયા અને મુકેશભાઈ મગનભાઈ પ્રજાપતિએ તેમના પુત્રની નોકરી માટે ૮ લાખ રૂપિયા દોઢ વર્ષ અગાઉ રાજુભાઈ ડાહ્યાભાઈ પારેખ અને પ્રશાંત ભાઈ નામના શખ્શને આપ્યા હતા
૧૭ લાખ રૂપિયા પડાવી લીધા બાદ બંને શખ્શો ઓએનજીસીમાં બંને યુવકોને નોકરી ક્યારે મળશે તે અંગે વારંવાર ગલ્લાં તલ્લાં કરતાં અને રૂપિયા પણ પરત ન આપતા બંને પરિવારના મોભીઓ તેમનાં પુત્રોને ઓએનજીસીમાં નોકરી અપાવવા જતા આબાદ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા આખરે બંને શખ્શોને પાઠ ભણાવવા પોલીસીનું શરણ લીધું હતું