Western Times News

Gujarati News

નરોડાની એક સગીરાને છ શખ્સોએ યુવકને વેચી દીધી

અમદાવાદ, અમદાવાદ શહેરના નરોડામાં રહેતી એક સગીરા ને છ એક લોકોએ ભેગા મળી રાજસ્થાનના એક યુવકને વેચી દીધી હતી. સગીરાને ખરીદનાર શખસે તેને માથામાં સિંદૂર પુરી લગ્ન કરી લીધા હતા. બાદમાં સગીરાને આ શખ્સ ભરૂચ લઈ જતો હતો ત્યારે કુદરતી હાજતે જવાનું કહી આ સગીરા તેની ચુંગાલમાંથી મુક્ત થઈ હતી.

તેણે પરિવારજનો ને જાણ કરતા શહેરકોટડા પોલીસે સગીરાનો કબજાે મેળવી તેનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં તેને આઠેક સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં સામે આવ્યું કે તેને ત્રણેક વર્ષથી જુહાપુરાના શાહરુખ સાથે પ્રેમ સબંધ હોવાથી તેની સાથે થયેલા શારીરિક સંબંધથી આ ગર્ભ રહી ગયો હતો.

શહેરકોટડા પોલીસે આ અંગે ગુનો નોંધી ફરિયાદ સરખેજ પોલીસને ઝીરો નંબરથી ટ્રાન્સફર કરી હતી. શહેરના નરોડામાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના માતા અને બહેન બનેવી સાથે રહે છે. તેણે ધો. ૮ સુધી અભ્યાસ કરેલો છે અને તેના જન્મ પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું. આ સગીરાને અન્ય બે બહેનો પણ છે જે હાલ પરિણીત છે.

ગત તા. ૫મી ફેબ્રુઆરી ના રોજ માયાબહેન તથા સજ્જનબહેન, દિનેશભાઇ તથા વર્ષાબહેન ઉર્ફે ચુચી બહેન તથા કાદર ભાઈએ ભેગા મળી આ સગીરાને લાલચ આપી તેને વેચી દેવા માટે છત્રાલ થઈ ધાનેરા લઈ ગયા હતા. અને રાજસ્થાનના કરશન ઉર્ફે રાજુ મારફતે સુરેશ પુરોહિત નામના વ્યક્તિને પૈસા લઈ વેચી દીધી હતી.

બાદમાં સુરેશ પુરોહિત એ આ સગીરાના કપાળમાં સેંથામાં સિંદૂર પુરી લગ્ન કર્યા હતા અને તેના ઘરે રાખી અવાર નવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. ૧૩મી ફેબ્રુઆરી ના રોજ આ સગીરાને સુરેશ રાજસ્થાન થી ભરૂચ લઈ જતો હતો. ત્યારે રામોલ ટોલનાકા પાસે આવતા જ આ સગીરાએ કુદરતી હાજતે જવાનું કહેતા તેને ગાડી ઉભી રાખી હતી.

અને બાદમાં સગીરાએ બુમાબુમ કરતા સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો. સગીરા ગુમ થઈ હોવાથી તેની માતા અને બહેને શહેર કોટડા પોલીસસ્ટેશનમાં અપહરણ ની ફરિયાદ પણ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.