નરોડામાંથી અજાણ્યા શખ્શની હત્યા કરાયેલી લાશ મળી આવી

Files Photo
ઓળખ ન થાય એ માટે હત્યારાએ એક પણ પુરાવો ન છોડયો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં આવતા એસપી રીંગરોડ પરથી સોમવારે અજાણ્યા શખ્શની ક્રુર રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી મૃતકને માથામાં તથા શરીરના અન્ય ભાગો પર માર મારવામાં આવ્યો હતો અને લાશને ગોદડામાં લપેટીને ખુલ્લી જગ્યામાં ફેંકી દેવામાં આવી હતી ઉપરાંત ઓળખ ન થાય એ માટે હત્યારાએ તેની પાસે કોઈ વસ્તુ રહેવા દીધી ન હતી.
ઘટનાની વિગત એવી છેકે એસપી રીંગ રોડ પર હંસપુરા ગામ નજીક આવેલા સાયોના ફલેટની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એક અજાણ્યા શખ્શની લાશ પડી હોવાનો મેસેજ સોમવારે નરોડા પોલીસને મળતાં જ પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. જયાંથી ૩૦ થી ૩પ વર્ષના પુરૂષની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં તેના મોં, માથુ, કોણી સહીતના શરીરના કેટલાય અંગોમાં ગંભીર ઈજાઓ થયેલી હતી. આસપાસના રહીશોની પુછપરછ કરતાં મૃતક આ વિસ્તારનો ન હોવાનું જાણવા મળ્યુ છે બીજી તરફ મૃતકની ઓળખ પણ ન થાય એ માટે હત્યારાએ કોઈ જ પુરાવા છોડયા ન હતા. જેથી હાલમાં પોલીસને પણ મૃતકની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે, નરોડા પોલીસે પણ મૃતકને કોઈ ઓળખતુ હય તો આગળ આવવા અપીલ કરી છે.