નરોડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે શહેર પોલીસતંત્ર હાઈ એલર્ટ પર છે અને શહેરમાં ઠેરઠેર દારૂ જુગારના અડ્ડાઓ પર દરોડાઓ પાડવામાં આવી રહયા છે.
જેના પગલે નામચીન બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ ઉપરાંત કેટલાક બુટલેગરો અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી શહેરમાં વિદેશી દારૂ ઘુસાડયા બાદ તેને સગેવગે કરી રહયા છે આ દરમિયાનમાં શહેરના નરોડા પોલીસને મળેલી બાતમીના આધારે રીંગરોડ પર આવેલ એક એસ્ટેટમાં દરોડો પાડી પ૦ પેટીથી વધુ વિદેશી દારૂની બોટલો ઝડપી લીધી હતી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ આવે તે પહેલાં જ બુટલેગર દારૂનો જથ્થો મુકી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની ઉચ્ચ અધિકારીઓએ પણ ગંભીર નોંધ લીધી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં પોલીસતંત્ર દ્વારા દારૂ જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહયા છે અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા કેટલાક બુટલેગરોએ અમદાવાદ શહેરના બદલે હવે ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનો જથ્થો ઠાલવવા લાગ્યા છે પરિણામે અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે.
આ દરમિયાનમાં નરોડા પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે ઔદ્યોગિક વસાહતમાં બુટલેગરો સક્રિય બન્યા છે અને મોટી રકમનો વિદેશી દારૂ સગેવગે કરવામાં આવનાર છે જેના પગલે નરોડા પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને તપાસ કરતા નરોડા વિસ્તારમાં આવેલા એક એસ્ટેટમાં ભેદી હિલચાલ જાવા મળી હતી પરિણામે પોલીસે મોડી રાત્રે દરોડો પાડતાં જ નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે એસ્ટેટની અંદરનું દ્રશ્ય જાઈ સતર્ક બની ગઈ હતી અને તપાસ કરતા સ્થળ પર પ૦ પેટી વિદેશી દારૂનો જથ્થો જાવા મળ્યો હતો બીજીબાજુ પોલીસે દરોડો પાડતં જ બુટલેગર ફરાર થઈ ગયો હતો તેને ઝડપી લેવા માટે પોલીસે નાકાબંધી કરી દીધી છે પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો સચિન નામના બુટલેગરનો હોવાનું જાણવા મળી રહયું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે