નરોડામાં તસ્કરો ત્રાટક્યાઃ 17.95 લાખની ચોરી
કારખાનામાં કબાટના ખાનામાં મુકેલા રોકડા રૂ.૧.૭પ લાખની ચોરી |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતકથી સ્થાનિક નાગરિકો પરસેવાની કમાણી ગુમાવી રહયા છે આ ટોળકીઓ રોજ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરીને ચોરી અને લુંટની ઘટનાને અંજામ આપી રહયા છે. પોલિસના નાઈટ પેટ્રોલીંગના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. બીજી તરફ ગત કેટલાંક દિવસોમાં કેટલીક ગેંગોને પકડી પાડવામાં આવી હોવા છતાં બીજી ગેંગો હજુ સક્રિય હોય તેવું લાગી રહ્યુ છે.
શહેરના નરોડા વિસ્તારમાં એક કારખાનામાં બપોરના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને ખાનામાં મુકેલા રોકડા રૂપિયા ૧.૭પ લાખની ચોરી કરી ફરાર થઈ જતાં આ અંગે નરોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાંથી ગુનાખોરી ડામી દેવા માટે ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. ચોંકાવનારી બાબત એ છે કે પોલીસતંત્ર દ્વારા પણ નાઈટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવી રહયા છે
તેમ છતાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ અવિરતપણે બની રહી છે. શહેરના નરોડા વિસ્તારમાં કઠવાડા રોડ પર વસંત વિહાર સોસાયટીની બાજુમાં આવેલી પંચતીર્થ સોસાયટીમાં રહેતા વહેપારી શ્રેયાંસભાઈ મુકેશભાઈ પટેલ ગઈકાલે બપોરના સમયે નરોડા સેન્ટ્રો હોટલની સામે શ્રીજી એસ્ટેટમાં આવેલા પોતાના સુતરના કારખાનામાં હાજર હતા. આ દરમિયાનમાં બપોરના ૧.૦૦ વાગ્યાના સમયે તેઓ કોઈ કારણોસર બહાર નીકળ્યા હતા
આ દરમિયાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કારખાનાના ટેબલના ખાનામાં મુકેલા રોકડા રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં ખાનામાં શ્રેયાંસભાઈએ રૂ.૧.૭પ લાખ રોકડા મુકયા હતાં ખાનામાંથી રૂપિયા ચોરાયેલા હોવાનું માલુમ પડતાં જ શ્રેયાંસભાઈએ આસપાસના કારખાનેદારોને સમગ્ર હકીકત જણાવી હતી.
જેના પગલે ભારે હોહામચી ગઈ હતી આખરે આ સમગ્ર ઘટના અંગે નરોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં છે અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.