નરોડામાં તૂટેલા વીજ વાયરના સંપર્કમાં આવતા જ મહિલા ભડથું
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલા નરોડા પોલીસ સ્ટેશન હેઠળના મુઠીયા ગામમાં રવિવારે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં વહેલી સવારના સમયે અંધારામાં ઘરની બહાર ઈલેકટ્રીકનો મોટો વાયર તૂટીને નીચે પડેલો હતો ત્યારે તેની પાસેથી પસાર થતી એક યુવતિને કરંટ લાગતા આગ ફાટી નીકળી હતી અને તે ભડથુ થઈ ગઈ હતી આ ઘટનાથી સમગ્ર ગામમાં ભારે હોબાળો મચી ગયો છે અને લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં.
આ અંગે નરોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઈલેકટ્રીકનો વાયર અંધારામાં નહી દેખાતા તથા તેની પાસેથી જ યુવતિ પસાર થઈ રહી હતી ત્યારે કરંટ લાગતા તે સળગી ઉઠી હતી યુવતિની બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ ગણતરીની સેંકડોમાં જ યુવતિ ભડથુ થઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અકસ્માતે મોતની બનતી ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારી ઘટના ઘટી છે વીજ વિભાગની બેદરકારીના કારણે કરંટ લાગવાથી મૃત્યુ નીપજવાની ઘટનાઓ ઓછી બનતી હોય છે. વીજ વિભાગ દ્વારા શહેરમાં સતત એલર્ટ રહીને જયાં કોઈ પણ જગ્યાએ ખામી સર્જાય તો તરત જ તે ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે.
પરંતુ નરોડા પોલીસ સ્ટેશન હેઠળના મુઠીયા ગામમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. મુઠીયા ગામમાં જ રણાસણ ટોલ પ્લાઝા પાસે આવેલા ન્યુયોર્ક એમ્પાયરમાં રહેતી અમિતાબહેન બારિયા નામની ર૮ વર્ષની યુવતિ રવિવારે સવારે ૬.૦૦ વાગ્યાના સુમારે અંધારામાં ઘરની બહાર નીકળી હતી આ સમયે રાત્રિના કોઈપણ સમયે તેમના ઘર નજીકથી પસાર થતી ઈલેકટ્રીક લાઈનનો મોટો વાયર તૂટી પડેલી હાલતમાં પડયો હતો. અંધારાના કારણે સાવચેતી પૂર્વક અમિતાબહેન પસાર થઈ રહયા હતા. ત્યારે અચાનક જ આ ખુલ્લા વીજ વાયર પાસેથી તેઓ પસાર થયા કે તેમને કરંટ લાગ્યો હતો.
ઈલેકટ્રીકના મોટા વાયરમાંથી કરંટ લાગતા જ અમિતાબહેને પહેરેલા કપડામાં આગ લાગી ગઈ હતી અને તેઓ સળગી ગયા હતાં કરંટ લાગતાની સાથે જ અમિતાબહેને બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાતા જ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બીજીબાજુ ગણતરીની સેંકડોમાં જ ભારે વીજપ્રવાહના કારણે આગ લાગી ઉઠતા આ યુવતી ભડથુ થઈ ગઈ હતી.
એકત્ર થયેલા લોકોએ બુમાબુમ કરી મુકતા ટાવરના તમામ લોકો દોડી આવ્યા હતા. આ અંગેની જાણ નરોડા પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને વીજ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા હતાં.
ઈલેકટ્રીકનો મોટો વાયર કઈ રીતે તૂટી પડયો તે અંગે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ઘર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં તૂટી પડેલા વીજ વાયરનું મરામતનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરી દેવાયું હતું. બીજીબાજુ ભડથુ થઈ ગયેલા અમિતાબહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં શોક અને રોષની લાગણી જાવા મળતી હતી. નરોડા પોલીસે આ અંગે અકસ્માતે મોત નોંધી સમગ્ર ઘટનાની તપાસ મદદનીશ સબ ઈન્સ્પેકટર જયેન્દ્રસિંહ ચલાવી રહયા છે.