નરોડામાં નકલી પોલીસે વેપારીને લૂંટ્યો
અમદાવાદ: શહેરનો વિકાસ થતાંની સાથે જ પરપ્રાંતમાંથી ઘુસી આવેલાં ગુનેગારો પણ સક્રિય થઇ ગયા છે. જેનાં પગલે ચોરી, ખૂન, લૂંટની ઘટનાઓ વધી છે. આ સિવાય નકલી પોલીસ બની નાગરીકોને ઠગી જવાનાં કિસ્સા પણ ખૂબ વધી ગયા છે. આવાં ગુનેગારો ખાસ કરીને વેપારીઓને વધુ ટાર્ગેટ કરે છે. અને પોલીસની તથા ચેકીંગની બીક બતાવીને અથવા તેમની નજર ચૂકવીને લાખો રૂપિયાની રોકડ તથા કિંમતી સામાન ઉસેડી જતાં હોય છે.
આવી જ વધુ એક ઘટના નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઓટો પાર્ટસનાં વેપારી પોતાની મોટર સાયકલ ઊપર જઈ રહ્યાં હતા ત્યારે ત્રણ નકલી પોલીસે તેમને અટકાવ્યા હતાં અને ગાંજા તથા દારૂ પીધો હોવાનો આક્ષેપ કરીને તપાસ કરવાની ધમકી આપી હતી. બાદમાં આ નકલી પોલીસ વેપારીનાં ૨૦ હજાર રોકડા તથા ૨૦ હજારની કિંમતનો દોરો જબરદસ્તીથી પડાવી ફરાર થઈ ગયા હતાં.
સુરેશભાઈ ચીનુલાલ શાહ નરોડા સૈજપુર ખાતે રહે છે અને મિરજાપુરમાં ઓટો પાર્ટસની દુકાન ધરાવે છે. કેટલાંક દિવસો અગાઉ ૪૨ વર્ષીય સુરેશભાઈ રાત્રે સવા આઠ વાગ્યાનાં સુમારે નરોડા બેઠક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે મોટર સાયકલ ઊપર આવેલાં ત્રણ શખ્સોએ તેમને અટકાવ્યા હતાં અને પોલીસ હોવાની જાણકારી આપી સુરેશભાઈએ દારૂ-ગાંજા પીધો હોવાનો આક્ષેપ કર્યાે હતો. જેથી પોતે ક્યારેય દારૂ પીતાં નથી એમ કહેતાં ત્રણેય શખ્સોએ નજીકમાં મોટાં સાહેબની ગાડી બાપુનગર ખાતે ઊભી છે. ત્યાં મશીનથી ચેક કરી લીએ.
તેમ કહી સુરેશભાઈને બાપુનગર તરફ લઈ જતાં હતા. રસ્તામાં મોટાં સાહેબ બહુ જ કડક છે. કહીને સુરેશભાઈને ડરાવતાં તેમણે સેટીંગ કરવા કહ્યું હતું. જેથી ત્રણેય નકલી પોલીસ હિરાવાડી બસ સ્ટોપ સામે એસપી રીંગ રોડ પર ઊભાં રહી ગયા હતા. જ્યાં સુરેશભાઈનાં ખિસ્સામાંથી રોકડ વીસહજાર રૂપિયા ઉપરાંત એટલી જ કિંમતની સોનાની વીંટી પણ પડાવી લીધી હતી. બાદમાં તેમને ત્યાં જ છોડી દઈ આ ઈસમો ઠક્કરનગર તરફ ભાગી ગયા હતાં.
સુરેશભાઈએ ઘરે જઈને પરીવારને સમગ્ર ઘટના અંગે જણાવતાં પરીવારનાં સભ્યો પણ ચોંકી ઊઠ્યા હતા અને સુરેશભાઈને હિંમત આપતાં છેવટે તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી.
નકલી પોલીસે વધુ એક કાંડ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે અને આ ત્રણેય ગઠીયાઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે અમદાવાદમાં હાલમાં જ નકલી પોલીસ દ્વારા ઠગાવાનાં કેટલાંક કિસ્સા સામે આવ્યાં છે. જેમાં વેપારીઓને અટકાવીને યેનકેન પ્રકરણે તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યાં છે. આવી ઘટનાઓ વધતાં હવે વેપારી આલમમાં પણ રોષ ફેલાયો છે.