નરોડામાં પત્નીને ઊઠવામાં મોડું થતા પતિએ ફટકારી
અમદાવાદ, પતિ-પત્નીના ઝઘડા સામાન્ય રીતે થતા રહેતા હોય છે જેમાં ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિને કાબૂમાં કરવા માટે પરિવારના કે આસપાસના લોકો પહોંચતા હોય છે. પરંતુ નરોડામાં પત્નીને ઉઠવામાં મોડું થઈ ગયું તો પતિએ તેને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્નીએ પોતાના પતિ સહિત પરિવારના અન્ય સભ્યો સામે ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં બનેલી ઘટનામાં ૭ ડિસેમ્બરે પત્નીએ સાસરિયાં સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સાસુ બેસણામાં ગયા હતા અને પત્ની વહેલી નહોતી ઉઠી તો સસરાએ બહુને બોલવાનું શરુ કર્યું તેની સાથે ઝઘડો કર્યો, આ દરમિયાન ત્યાં પહોંચેલો પતિ વધારે ઉગ્ર થઈ ગયો અને તેણે પત્નીને માર મારવાનું શરુ કરી દીધું. અવારનવાર સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદમાં પરિણીતાએ એમ પણ જણાવ્યું છે કે, તેને પહેલી બાળકી આવ્યા બાદ દીકરાને જન્મ કેમ ના આપ્યો તેમ કહીને મેણા-ટોણા મારવામાં આવતા હતા.
૩૧ વર્ષની મહિલાના લગ્ન ૫ ફેબ્રુઆરી, ૨૦૧૭માં થયા હતા, તેનો પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો. લગ્નના થોડા સમય બાદ પરિણીતાને વારંવાર પરેશાન કરવામાં આવતી હતી, આવામાં તેણે દીકરીને જન્મ આપ્યો, જેને લઈને વારંવાર પરેશાન કરવામાં આવતી હતી. આવામાં વહેલા ઉઠવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ મામલો વધારે ઉગ્ર બની ગયો હતો. મારા-મારી દરમિયાન સામાન્ય ઈજાઓ થતાં પરિણીતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. આ પછી તે પોતાના પરિવારના ત્રાસથી એટલી કંટાળી ગઈ હતી કે તેણે પતિ, સાસુ-સસરા અને નણંદ સામે પોલીસ ફરિયાદ કરી દીધી. દીકરીના જન્મ બાદ છોકરો કેમ ના જન્મ્યો તેવા મહેણા-ટોણા પણ મહિલાને મારવામાં આવતા હતા અને તેને વારંવાર એવા સવાલ કરવામાં આવતા હતા કે લગ્ન પછી તું તારા ઘરેથી શું લઈને આવી છે? પોતાનું ઘર બચાવવા માટે મહિલાએ વારંવાર પરિવાર દ્વારા આપવામાં આવતા ત્રાસને સહન કરવાની કોશિશ કરી પરંતુ અંતે તેણે આ પ્રકારની તકલીફોના સમાધાન માટે પોલીસનો સહારો લીધો છે.SSS