નરોડામાં પોલીસની ઓળખ આપી રૂપિયા દસ હજારની લુંટ
માસ્ક પહેર્યા વગર જતાં ત્રણ મિત્રોને અટકાવી નકલી પોલીસે ગુનો આચર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં નરોડા જીઆઈડીસી વિસ્તારમાં એક વ્યક્તિ પોતાનો પગાર લઈ ઘરે જતો હતો ત્યારે નકલી પોલીસ બનીને આવેલા શખ્સે માસ્ક પહેરવાના બહાને રોકીને તેની પાસેથી દસ હજારની લુંટ ચલાવી હતી.
આ ઘટના અંગેની વિગત એવી છે કે મુળ મધ્યપ્રદેશના વતની વિનોદભાઈ કોરગુ (ર૦) હાલ શાહ ઈન્ડસ્ટ્રીઝ, નરોડા જીઆઈડીસી ખાતે નોકરી કરે છે અને ત્યાં જ રહે છે સોમવારે સવારે દસ વાગ્યે વિનોદભાઈ અને તેમના મીત્રો મનોજ તથા નિકેશનો પગાર થતાં ત્રણેય પોતાના વતનમાં રૂપિયા મોકલવા નરોડા ગેલેક્ષી સિનેમા નજીક બેંકમાં જતા હતા પોણા એક વાગ્યાના અરસામાં ત્રણેય મિત્રો નરોડા જીઆઈડીસીના ગેટ આગળ પહોચ્યા
ત્યારે બાઈક ઉપર આવેલા એક શખ્સે વિનોદભાઈને અટકાવી “હું પોલીસમાં છુ માસ્ક કેમ નથી પહેર્યુ” તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યુ હતું અને વિનોદભાઈ કંઈ સમજે એ પહેલાં જ તેમના શર્ટના ખિસ્સામાંથી દસ હજારની રોકડ લુંટી બાઈક ભગાવી મુકી હતી આ ઘટના બાદ ત્રણેય મિત્રોએ બુમાબુમ કરી હતી બાદમાં જાણ કરતાં નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નકલી પોલીસ તરીકે ઓળખ આપી લુંટ ચલાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
નરોડા પોલીસ સક્રીય થઈ જતાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ તથા બાતમીદારોને આધારે ગણતરીની કલાકોમાં જ લુંટ ચલાવનાર અશોક વિરચંદ પરમાર (૪૦) રહે. અવીનાશ સોસાયટી શહેરકોટડા મૂળ અરવલ્લીને ઝડપી પાડયો હતો તથા દસ હજાર રૂપિયા પરત મેળવ્યા હતા.