નરોડામાં ફાયનાન્સરની ઓફિસમાં ટોળાની તોડફોડ
ઉધારમાં રૂપિયા આપવાની ના પાડતા હુમલો કરાયો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં કેટલાક માથાભારે શખ્સોએ રૂપિયા આપવાની ના પાડતાં ફાયનાન્સનો ધંધો કરતા યુવક અને તેના કર્મચારી ઉપર હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરતાં સનસનાટી મચી ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કની સામે દિવ્યજીવન સીટીમાં રહેતા આશિષ જગદીશભાઈ ફાયનાન્સનો ધંધો કરે છે અને નરોડા સ્વામિનારાયણ પાર્કની બહાર જ ફાયનાન્સની ઓફિસ ધરાવે છે.
મહાકાલી ફાયનાન્સ નામની આ દુકાનમાં તેમની સાથે તેમના પિતા પણ હાજર હોય છે આ ઉપરાંત તેમનો કર્મચારી પણ આ દુકાનમાં હાજર હોય છે બે મહિના પહેલા નરોડા રામકુટિર ખાતે રહેતો વિજેન્દ્રસિંહ ચાવડા નામનો શખ્સ તેની પાસેથી ઉધારમાં પૈસા લઈ ગયો હતો અને તેને પરત કરવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ ફરી વખત વિજેન્દ્રસિંહ રૂપિયા લેવા માટે આવ્યો હતો પરંતુ રૂપિયા આપવાની ના પાડી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો તા.૧૩મીના રોજ આશિષ શર્મા પોતે તથા તેમના પિતા ઓફિસમાં કામ કરતા સોનુ ઘનશ્યામભાઈ અને મિત્ર નીલ દેસાઈ હાજર હતા એ દરમિયાનમાં રાત્રિના ૮.૦૦ વાગ્યાની આસપાસ વિજેન્દ્ર ચાવડા તથા તેનો મિત્ર મહેશ ઠાકોર સહિત ૧૦ થી ૧ર જેટલા શખ્સો ઓફિસની બાજુમાં આવી પહોંચ્યા હતાં આ સમયે વિજેન્દ્રસિંહે તેમના મિત્ર નીલ કનુ દેસાઈને તથા ચીન્ટુને બહાર બોલાવ્યો હતો અને ગલ્લા પર લઈ જઈ તેઓની સાથે મારામારી કરવા લાગ્યા હતાં.
આશિષ શર્માના મિત્ર તથા ઓફિસના કર્મચારી સાથે મારપીટ કર્યાં બાદ આ ટોળુ ઓફિસમાં ધસી આવ્યુ હતું અને ઓફિસમાં પણ તોડફોડ શરૂ કરી હતી જેના પરિણામે ભારે હોબાળો મચી જતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા લોકોનું ટોળુ એકત્ર થઈ જવાના પગલે હુમલાખોરો ભાગી છુટયા હતા અને જતા જતા ધમકી આપી હતી કે જા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરીશ તો વધુ પરિણામ ભોગવવું પડશે.
ત્યારબાદ તેમના પિતાએ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસની જીપ પણ સ્થળ પર આવી પહોંચી હતી આ ઘટના બાદ આશિષ શર્માએ આ અંગે ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.