નરોડામાં બિનવારસી કન્ટેનરમાંથી રૂપિયા સવા બે લાખનો દારૂ ઝડપાયો
અમદાવાદ: શહેરનાં નરોડા વિસ્તારમાંથી મંગળવારે પોલીસની ટીમને એક શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યું હતું. આસપાસનાં લોકોને પૂછતાં તે બિનવારસી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેની તપાસ કરવામાં આવતાં ખૂફીયા ખાનું મળી આવ્યું હતું. જેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવતાં પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
નરોડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ડી.કે.મોરી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને રાત્રે સવા બાર વાગ્યે નરોડા જીઆઈડીસીનાં ગેટ નં.૨ પાસે પહોંચ્યા હતા. જ્યાં એક મોટું કન્ટેનર રસ્તાની બાજુમાં ઊભું હતું અને દરવાજાે ખુલ્લો હોવાથી પોલીસે નજીકમાં આવેલી વારાહી કંપનીમાં તે અંગે પૂછપરછ ચલાવી હતી.
જાે કે કોઈને તે અંગે જાણ ન હતી. જેથી પોલીસે કન્ટેનરની અંદર ચડી તપાસ કરતાં ડ્રાઈવરની કેબિનમાં સીટની પાછળની તરફ પતરું તોડીને ચોરખાનું બનાવેલું જણાવ્યું હતું. દસેક ફૂટ જેટલાં પાર્ટીશનનાં બનાવેલાં ખાનામાં તપાસ કરતાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનર મળી આવ્યું
તે જગ્યા સાંકડી હોઈ પોલીસે અન્ય એક ડ્રાઈવરને બોલાવીને કન્ટેનર પોલીસ સ્ટેશને લઈ આવી હતી. જ્યાં દારૂનો જથ્થો બહાર કાઢી ગણી જાેતાં અલગ અલગ બ્રાન્ડની ૫૦૦થી વધુ બોટલો જેની કિંમત રૂપિયા સવા બે લાખ રૂપિયા જેટલી થાય છે તે મળી આવી હતી. પોલીસે કન્ટેનરનાં રજીસ્ટ્રેશન નંબર, સ્થળનાં સીસીટીવી ફુટેજ તથા બાતમીદારોની માહિતીને આધારે હવે તપાસ શરૂ કરી છે. રૂપિયા ૧૭ લાખનો કન્ટેનર તથા સવા બે લાખનાં ઈંગ્લીશ દારૂ બિનવારસી મુકી દેતાં પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ છે.