નરોડામાં ‘ભાઈ” ન કહેતાં લુખ્ખા તત્વએ સાગરીત સાથે મળી યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો
શહેરમાં સ્થાનિક ગુંડાઓ વધ્યા: સામાન્ય નાગરીકોને પરેશાન કરવાના કિસ્સા છાશવારે સામે આવે છે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં એક તરફ પોલીસ ગુનેગારોને પકડવા અને ગુનેગારીને ડામવા મથી રહી છે બીજી તરફ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્થાનિક સ્તરના ગુંડાઓ ભાઈ બનીને બેસી ગયા છે અને નાગરીકોને ડરાવતા હોવાના કિસ્સા અવારનવાર બહાર આવે છે. નરોડામાં પણ એક યુવકે “ભાઈ” કહીને ન બોલાવતા એક લુખ્ખા તત્વએ ગાડીમાં તેનું અપહરણ કરીને ઢોરમાર માર્યો હતો આટલેથી ન અટકતા તેને પોલીસ ફરીયાદ કરી તો મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે કકશીલ બાબુભાઈ ભટ્ટ શુભલાભ સોસાયટી, કઠવાડા રોડ, નરોડા ખાતે રહે છે અને મોબાઈલ રીપેરીંગનું કામ કરે છે. રવિવારે સાડા નવ વાગ્યે કકશીલ તેના મિત્ર વિશાલ ચૌહાણને મળવા ગયો હતો જયાંથી બંને નાના ચીલોડા ખાતે જમવા ગયા હતા રણાસણ ટોલટેક્ષ નજીકથી વિશાલ બાઈક પરથી તેના મિત્ર ચકુની ગાડીમાં બેસી ગયો હતો જેથી કકશીલે વિશાલને “તુ ચકુની ગાડીમાં જાય છે તેમ કહયુ હોત તો.” તેમ કહીને નાના ચીલોડા લીજ્જત તવા ફ્રાય ખાતે ગયો હતો આ વખતે ત્યાં ભાગ્યેશ ઉર્ફે ચાકુ કનૈયાલાલ સોલંકી (સી કોલોની, અશોક મીલ રોડ, નરોડા) આવ્યો હતો અને કકશીલને માથામાં લાકડી મારી સ્વીફટ કારમાં જબરદસ્તી બેસાડી દીધો હતો અને કરાઈ કેનાલ બાજુ સર્વિસ રોડ પર જઈ કકશીલને ‘મને ચાકુ કેમ કહયુ ? ચાકુ ભાઈ કહેવાનું,” કહીને ઢોર માર મારવા લાગ્યો હતો તેની સાથે રહેલા હિતેશ ઉર્ફે લીંબુને પણ ‘તુ આને નહી મારે તો હું તને મારીશ’ એમ કહેતાં હિતેશે પણ તેને ઢોરમાર માર્યો હતો બાદપોલીસ ફરીયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપીને કકશીલને શીતલનાથ સોસાયટી આગળ ઉતારીને બંને ભાગી ગયા હતા ત્યાંથી ઘેર જઈ કકશીલે પરીવારને સમગ્ર હકીકત કહેતા તે પણ ચોંકી ગયા હતા. કકશીલ હોસ્પીટલમાં સારવાર લીધા બાદ નરોડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને મારામારીની ફરીયાદ નોંધાવતા પોલીસે ચાકુ અને લીંબુને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.