નરોડામાં વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી
ચાલુ પિકચરે બુમાબુમ નહી કરવાનું જણાવતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ સાગરિતો સાથે સાથી વિદ્યાર્થી પર હુમલો કરી લોહીલુહાણ કર્યાં |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ એક ઘટના શહેરના નરોડા વિસ્તારમાં બની છે જેમાં સ્કુલમાંથી વિદ્યાર્થીઓને પિકચર જાવા લઈ જવાયા બાદ ચાલુ પિકચરે બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ એક વિદ્યાર્થી અને તેના સાગરિતોએ ત્રણ જેટલા યુવકો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડતા સનસનાટી મચી ગઈ છે આ ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં નરોડા ગામની અંદર જ આવેલી આનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓને તા.૬ ઠ્ઠીના રોજ સુપર-૩૦ પિકચર જાવા માટે લઈ જવામાં આવ્યા હતા પિકચર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ પિકચર જાઈને ખુબ ખુશ જણાતા હતા.
આ દરમિયાનમાં ધો.૧રમાં અભ્યાસ કરતો લલિતસિંગ ચૌહાણ નામનો વિદ્યાર્થી જે ખુરશી પર બેઠો હતો તેની આગળની લાઈનમાં બેઠેલો વિદ્યાર્થી રાજવીર ચાલુ પિકચરે બુમાબુમ કરવા લાગ્યો હતો જેના પરિણામે લલિતસિંગે તેને તેવુ નહી કરવા માટે જણાવ્યું હતું. જેના પરિણામે થોડી બોલાચાલી બાદ વિદ્યાર્થીઓ ફરી પિકચર જાવા લાગ્યા હતા.
આ દરમિયાનમાં પિકચર પુરુ થતાં જ તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા હતાં લલિતસિંગ ચૌહાણ અને તેના બે મિત્રો મેરુ ભરવાડ અને વિરાજ રબારી ત્રણેય ચાલતા ચાલતા કલ્યાણ મંદિર પાસે પહોંચ્યા હતાં.
ચાલુ પિકચરે બોલાચાલી થતાં રાજવીર નામનો વિદ્યાર્થી ઉશ્કેરાયો હતો અને તેણે તેના કેટલાક મિત્રોને સિનેમા ગૃહની બહાર જ બોલાવી રાખ્યા હતા. પિકચર પુરુ થતાં જ લલિતસિંગ તેના બે મિત્રો સાથે ઘરે જઈ રહયો હતો ત્યારે રાજવીર અને તેના સાગરિતોએ ત્રણેયને અટકાવ્યા હતા અને તેની સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતાં
જેના પરિણામે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. આ દરમિયાનમાં રાજવીર અને તેના સાગરિતોએ પટ્ટા તથા અન્ય લાકડીઓ સહિતના સાધનોથી લલિતસિંગ તેના બે મિત્રો મેરુ અને વિરાજ પર હુમલો કર્યો હતો જેના પરિણામે ત્રણેય જણાં લોહી લુહાણ થઈ ગયા હતાં આ દરમિયાન લોકોનું ટોળુ ભેગુ થઈ જતા આરોપી રાજવીર અને તેના સાગરિતો ભાગી છુટયા હતાં બીજીબાજુ લોહી લુહાણ થયેલા ત્રણેય યુવકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.
વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી લોહીયાળ મારામારીની ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં અને નરોડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોના નિવેદનો પણ લીધા હતાં નરોડા પોલીસે આરોપી વિદ્યાર્થી રાજવીર અને તેના મિત્રો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.