નરોડામાં ૨૦૦ રૂ. મુદ્દે બે વેપારીની વચ્ચે ઝઘડો-એકને માથામાં ઇજા
અમદાવાદ, નરોડામાં સીટકવરના પૈસા ઓછા આપતા બે વેપારી વચ્ચે બોલાચાલી બાદ મારમારી થતા ચાર શખ્સો વિરુદ્ધ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. નરોડામાં એકનાથ કોમ્પલેક્ષમાં ઓમકાર એસેસરી નામની દુકાન ધરાવતા હિતેશ પટેલ એ પોલીસ ફરિયાદ આપી છે કે શનિવારે સાંજના સમયે તેમની દુકાન પર એક ગ્રાહક સીટ કવર નખાવા માટે આવ્યો હતો.
જેથી હિતેશભાઈએ વિજય પાર્ક બાલાજી સીટ કવર નામની દુકાન ધરાવતા વિશાલભાઈ ને ત્યાંથી સીટ કવર મંગાવ્યા હતા. વિશાલભાઈ નો કારીગર સીટ કવર આપી જતા ફરિયાદી એ તેઓને રૂપિયા ૨૨૦૦ આપ્યા હતા. જો કે થોડીવારમાં વિજયભાઈના પિતા ફરિયાદીની દુકાને આવી ગયા હતા અને સીટ કવર ના ૨૪૦૦ રૂપિયા થતાં હતા ૨૦૦ રૂપિયા ઓછા કેમ આપ્યા કહીને બોલા ચાલી કરવા લાગ્યા હતા.
ત્યારબાદ તેમને વિશાલને ફોન કરતા વિશાલ તેના બે મિત્રો સાથે આવીને ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં વિશાલના મિત્રએ બાજુમાં પડેલ પાવડો ફરિયાદી હિતેશભાઈને મારતા તેમને માથાના ભાગે લોહી નીકળવા લાગ્યુ હતું. આરોપીઓએ ફરિયાદીના ગ્રાહકોની ગાડીમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ નરોડા પોલીસને કરતા ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.