નરોડા સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે દિવ્યાંગ રમતવીરોના પ્રશિક્ષણ માટે ત્રિ-દિવસીય ‘ટ્રેઇન ધ ટ્રેઇનર’ કાર્યક્રમનું આયોજન
રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા આશરે 150થી વધુ ટ્રેનર્સ તથા કોચિઝ અને 500થી વધુ રમતપ્રેમીઓએ લીધો ભાગ
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે 26 ફેબ્રુઆરી 2022 સુધી નરોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દિવ્યાંગ રમતવીરોના ટ્રેઇનર્સ તથા કોચીઝના પ્રશિક્ષણ માટે ત્રિ-દિવસીય ‘ટ્રેઇન ધ ટ્રેઇનર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કૃલપતિશ્રી પ્રો.ડો.અર્જુનસિંહ રાણાએ જણાવ્યું કે, ‘ટ્રેઇન ધ ટ્રેઇનર’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ રમતવીરોના ટ્રેનર્સને પ્રવર્તમાન જ્ઞાન અને કૌશલ્યો મુજબ તૈયાર કરી રાજ્ય અને રાષ્ટ્રના વધુને વધુ પેરા ખેલાડીઓ ઓલિમ્પિકમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે તે છે.
રાજ્ય સરકાર પેરા ખેલાડીઓ માટે હરહંમેશ તમામ જરૂરી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ પૂરી પાડવા કટિબદ્ધ છે.
દિવ્યાંગ રમતવીરોના ટ્રેઇનર્સ તથા કોચીઝના આ તાલીમ કાર્યક્રમમાં વિવિધ વિષયો જેમ કે ક્લાસીફિકેશન, ઇન્ટરેશનલ લાયસન્સ, સ્પર્ધાઓ અંગેની ટેક્નિકલ તેમજ પ્રેક્ટિલ માહિતી,
ગુજરાત સરકારની દિવ્યાંગ રમતવીરો માટેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા એવોર્ડ તથા રોકડ પુરસ્કારો અંગેની વિવિધ યોજનાઓ, કેન્દ્ર સરકાર તરફથી મળવા પાત્ર યોજનાઓની માહિતી, સ્પોર્ટ્સ અવેરનેસ, પેરા બેડમિન્ટન, પેરા પાવર લીફ્ટિંગ, પેરા ટેબલ ટેનિસ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા આશરે 150થી વધુ ટ્રેનર્સ તથા કોચિઝ તેમજ 500થી વધુ રમતપ્રેમીઓ ભાગ લઇ રહ્યા છે.