નર્મદાના નીર સાથે માછીમારોનો વ્યવસાય પુનઃ ખીલી ઉઠતાં માછીમારોના ચહેરા પર રોનક
(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
ભાડભૂતની ચાંદી ની પાટ સમી હિલસા મચ્છીની ભારે માંગ
(પ્રતિનિધિ) ભરૂચ, મૃતપાય બનેલ ભરૂચના માછીમારોનો વ્યવસાય નર્મદામાં આવેલ નવનિર્માણના કારણે નવપલ્લવિત થઈ ઉઠ્યો હોય તેમ વિશ્વ પ્રસિદ્ધ હિલસા માછલીના એકમાત્ર હબ કહી શકાય તેવા ભાડભૂતના માછીમારો માની રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદા ડેમની ઉંચાઈ વધવા સાથે નબળા ચોમાસાથી રીવા રણ જેવી બની જતાં માછીમાર સમાજ સહિત વિવિધ સંગઠનો નર્મદા ડેમ માંથી પાણી છોડવાની માગણી કરી રહ્યા હતા.ભરૂચમાં ભાડભૂત સહિત કાંઠા વિસ્તારના ગામો ના હજારો પરિવારો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેઓ માટે આજીવિકાની સમસ્યા પણ ઉભી થવા પામી હતી.આ વર્ષે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ ભાગ નર્મદા ડેમ ૧૩૨ મીટરની સપાટી વટાવતાં પાણી છોડવામાં આવ્યું હતું.ચોમાસા દરમ્યાન ભરૂચના ભાડભૂત ખાતે માછીમારો ખૂબ મોટા પાયે વ્યવસાય ધમધમતો હોય છે.જેમાં ખુબ કિંમતી મનાતી અને માત્ર ભાડભૂત પાસે સાગર સંગમ ના ખારા પાણીના સંગમ સ્થાને ચાંદી ની પાટ જેવી હિલ્સા માછલી મળતી આવતી હોય છે.આ ચાર મહિના માં વર્ષની કમાણી તેઓ કરતા હોય છે.અહીં કલકત્તા,મુંબઈ સહિત દૂર-દૂર થી માછીમારો આવતા હોય છે.આ વર્ષે નર્મદામૈયા મહેરબાન રહેતા માછીમાર સમાજમાં ખુશી જોવા મળી રહી છે અને આ સીઝન સારું જવાના અસરથી માછીમાર પરિવારોના ચહેરા પર પણ રોનક આવી ગઈ છે.તેમ માછીમાર ચીમનભાઈ એ જણાવ્યું હતું.
તો હિલસા માછલી સહિત અન્ય માછલીઓ મોટા પ્રમાણમાં મળી આવતા વ્યવસાયકારોનો પણ વ્યવસાય છ વર્ષ બાદ પુનઃ ધમધમતો થતા વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. નર્મદા મૈયા કેટલાક વર્ષો બાદ બે કાંઠે થતા ભરૂચ જીલ્લા માટે સમૃદ્ધિના દ્વાર પુનઃખુલ્યા તેમ લાગી રહ્યુ છે.*