નર્મદાનું પાણી મોટાભાગના વિસ્તારોમાં પાઈપલાઈન મારફતે પહોંચાડાશે

ગાંધીનગર, આજે નવમી વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂપાણી સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં પાણીના મુદ્દે અને કોરોના સંક્રમણને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પાણી મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, મોટાભાગના વિસ્તારમાં પાઈપલાઈન મારફતે પાણી આપવામાં આવશે અને ટેન્કરના માધ્મયથી પાણી મોકલવાની સૂચના આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં વહેલી તકે નર્મદાનું પાણી સૌને મળે તે માટે મંત્રી મંડળમાં ચર્ચા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની ઘટ હતી. ત્યા અધિકારીઓને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ વિસ્તારમાં પીવાના પાણી મુશ્કેલી ન થાય તે માટે વ્યવસ્થા કરવા આવશે.
આ સાથે જ કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે કૃષિમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ ખેડૂતોને મુશ્કેલી હશે તો તેની ફરિયાદને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. જે કંપની બિયારણના વધુ પૈસા વસુલ કરે છે તેની સામે કાર્યવાહી કરવા માટે કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. બિયારણ રાજ્ય સરકાર પાસે છે. કોઈ કંપની વધુ રૂપિયા લેશે તો કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવશે. આ સાથે જ કહ્યું કે પશુપાલકોને સબસીડી પહોંચતી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ કેબિનેટની બેઠક રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં જયેશ રાદડીયા અને કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યાં હતા અને ચર્ચા કરી હતી. બેઠકની શરૂઆતમાં સચિવ અશ્વિનીકુમારે પ્રેઝન્ટેશન દ્વારા કોવિડ-૧૯ના સંદર્ભમાં સમગ્ર રાજ્યનો ચિતાર રજૂ કર્યો હતો.
જેમાં કોરોના વાઇરસના દર્દીઓની વિગત, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ, શ્રમિકોને ટ્રેન દ્વારા વતન પહોંચાડવા, વંદે ભારત મીશનથી વિદેશથી લોકોને પરત લાવવા, એસ.ટી.બસોનું સુચારૂ સંચાલન, ઔદ્યોગિક એકમો, મનરેગા, સુજલામ સુફલામ વગેરે બાબતોની સવિસ્તાર વિગતો રજૂ કરી હતી. જયેશ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉનની પરિસ્થિતિ અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બે માસ દરમિયાન એપીએલ અને બીપીએલ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે.