નર્મદા અને કડાણાનું પાણી ૧૫ માર્ચથી બંધ કરવાનો નિર્ણય સ્થગિત કરાયો છે: નીતીન પટેલ
ગાંધીનગર, વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ‘સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી અને સિંચાઈ માટે નર્મદા અને કડાણાનું પાણી ૧૫ માર્ચથી બંધ કરવાનો નિર્ણય સ્થગિત કર્યો છે. હવે ખેડૂતોની માંગણી હતી તેના કારણે આગામી ૨૦ દિવસ વધારે કડાણા અને નર્મદાનું પાણી મળશે. ખેડૂતો અને સ્થાનિક આગેવાનોની માંગણી મુદ્દે મુખ્યમંત્રી સાથે વિમર્શ કરી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કિસાનોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સહાય રૂપ થવા અનેકવિધ નિર્ણયો કર્યા છે. ત્યારે ચાલુ સીઝનમાં ખેડૂતોને પાક બચાવવા માટે નર્મદા યોજના અને કડાણા યોજનામાંથી સિંચાઇ માટે અપાતું પાણી વધુ ૨૦ દિવસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે માન.ધારાસભ્યશ્રીઓ, ખેડૂત આગેવાનો, કિસાન સંઘ દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને મારી સમક્ષ નર્મદાનું પાણી અગાઉ ૧૫ મી માર્ચ-૨૦૨૦ સુધી આપવાનો નિર્ણય થયો હતો તે વધુ ૨૦ દિવસ આપવા માટે રજુઆત કરી હતી તેને ધ્યાને લઇને રાજય સરકારે ખેડૂતોની લાગણી અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને નર્મદા યોજના અને કડાણા યોજનામાંથી પિયત માટે અપાતું પાણી વધુ ૨૦ દિવસ એટલે કે, તા.૫.૪.૨૦૨૦ સુધી આપવાનો નિર્ણય કર્યો છે.