નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા દ્વારા નદી ઉત્સવનું આયોજન

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પર વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આયોજિત નદી ઉત્સવમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમાર સહભાગી બન્યા હતા. તેમણે નદી ઉત્સવ અંતર્ગત સર્વે સાથે નેચર વોક પણ કર્યું હતું.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં નદીને માતા કહેવામાં આવી છે.
આજે પણ આપણી સંસ્કૃતિમાં નદીની પૂજા- અર્ચના કરવામાં આવે છે. દેશને આઝાદી પ્રાપ્ત થયેને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારતની સંસ્કૃતિ અને સિધ્ધિઓના ભવ્ય ઇતિહાસના સ્મરણ અને ઉજવણી માટે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવનો આરંભ તા. ૧૨મી માર્ચ, ૨૦૨૧ના રોજ કરવામાં આવ્યો હતો.
આ મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તા. ૨૬ થી ૩૦ મી ડિસેમ્બર, ૨૦૨૧ દરમ્યાન નદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ નદી ઉત્સવની ઉજવણી થકી લોકોમાં નદી સ્વચ્છતા અંગેની લોક જાગૃત્તિ લાવવાનો ઉમદા આશય છે. આ ઉત્સવ રાજયની નર્મદા, તાપી અને સાબરમતી નદી કિનારના વિસ્તારમાં ઉજવવામાં આવી રહ્યો છે.