નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ – SSC ની બોર્ડની જાહેર પરીક્ષાનો શાંતિ-સોહાર્દપૂર્ણ
રાજપીપળા– ગુરૂવાર :-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓ અન્વયે આજે તા. ૫ મી માર્ચના રોજ સવારે ધોરણ- ૧૦ (SSC) ની પરીક્ષાનો નર્મદા જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે રાજપીપલાની શ્રી એમ.આર. વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ સાથે ગોળધાણા- ચોકલેટથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ – કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીની સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડો.એન.ડી.પટેલ ઉપરાંત જાયન્ટસ ગૃપ રાજપીપલાના પ્રમુખશ્રી નગીનભાઇ પટેલ અને જાયન્ટસ ગૃપ ઓફ સૃજા સાહેલીના પ્રમુખ શ્રીમતી કૃતિબેન મઢીવાલા સહિત અન્ય સભ્યશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, કેન્દ્ર સંચાલક શ્રી આર.વી.પટેલ વગેરેએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાના આ કાર્યક્રમમાં જોડાઇને તેમણે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આજે બપોરબાદ જિલ્લામાં ધોરણ ૧૨- HSC ની પરીક્ષાઓનો પણ પ્રારંભ થયો છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. એન.ડી.પટેલે શ્રી એમ.આર.વિદ્યાલયના પરીક્ષા ખંડની મુલાકાત લઇ પરીક્ષા ખંડમાં થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શ્રી કોઠારીએ અહિંના કેન્દ્રમાં પરીક્ષા આપી રહેલા એક દિવ્યાંગ અને એક કેન્સરગ્રસ્ત પરીક્ષાર્થીની પણ ખાસ મુલાકાત લઇ તેમની આરોગ્ય વિષયક ખબરઅંતરની પૃચ્છા કરી આશ્વાસન સાથે શુભેચ્છા પાઠવી હતી અને આ પરીક્ષાર્થીઓને કોઇ તકલીફ ન પડે તે માટે કેન્દ્ર સંચાલકશ્રીને જરૂરી સુચના આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી કોઠારીએ આ પરીક્ષા કેન્દ્રના પરીક્ષાખંડોમાં કાર્યરત CCTV કેમેરાના માધ્યમથી આચાર્યશ્રીના ખંડમાં બેસીને જે તે પરીક્ષાખંડમાં થઇ રહેલી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. શ્રી કોઠારીના જણાવ્યા મુજબ આ પરીક્ષાઓ દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો જરૂરી પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા નિમાયેલા વર્ગ-૧ અને વર્ગ-૨ ના ૪૨ જેટલાં લાયઝન અધિકારીઓ સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપી પરીક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છા પણ તેમણે આપી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. એન.ડી.પટેલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં આજથી પ્રારંભાયેલી બોર્ડની આ જાહેર પરીક્ષાઓ અન્વયે જિલ્લાભરમાંથી ધોરણ- ૧૦ ની પરીક્ષામાં ૧૦,૯૫૦ જેટલા વિધાર્થીઓ આ પરીક્ષા આપશે જ્યારે બપોરબાદ સામાન્ય પ્રવાહમાં ૫,૩૪૦ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨,૦૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિમાયેલા બે વિજિલન્સ સ્કોર્ડ તેમજ નર્મદા જિલ્લા સ્થાયીપરીક્ષા સમિતિ દ્વારા નિમાયેલું સ્કોર્ડ આજે જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઇ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.
જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાને લગતી તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટેના જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક આદેશોના જરૂરી અમલ માટે પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા પોલીસ સહિતના સંબધિત વિભાગના તમામ અધિકારીઓ/કર્મચારીઓને સુચનાઓ આપવામાં આવી છે. જિલ્લાકક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તા.૨૧ મી માર્ચ, ૨૦૨૦ સુધી ફોન નં.- (૦૨૬૪૦) ૨૨૨૬૦૩ ઉપર જિલ્લાનો પરીક્ષા કંટ્રોલરૂમ પણ સવારના ૮=૦૦ થી રાત્રિના ૮=૦૦ સુધી કાર્યરત છે. આ પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પરીક્ષા વિષયક વિદ્યાર્થીઓ-વાલીઓને મુંઝવતી બાબતો અંગે જરૂરી માર્ગદર્શન મળી રહેશે, જેની નોંધ લેવા પણ જાહેર વિનંતી કરાઇ છે.