નર્મદા જિલ્લામાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” અભિયાનનો પ્રારંભ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/narmada-scaled.jpg)
રાજપીપળા, રાજ્ય સરકાર દ્વારા તા.૧ લી મે થી તા.૧૫ મી મે, ૨૦૨૧ દરમિયાન સમગ્ર ગુજરાતમાં “મારૂં ગામ કોરોના મુક્ત ગામ“ ના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ગુજરાતના ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં આજે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.
ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.એમ.ડિંડોર, પૂર્વ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, જિલ્લા કારોબારી સમિતીના અધ્યક્ષ સુશ્રી મમતાબેન તડવી, ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઇ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીત,
જિલ્લા આરોગ્યતંત્રના એપિડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ. કશ્યપ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પરાક્રમસિંહ મકવાણા સહિત જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, નોવેલ કોરોનાની મહામારી ચાલી રહી છે,
ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા/તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રીઓને જિલ્લા જિલ્લા પ્રશાસનને સહયોગ આપવાની મંત્રીશ્રીએ અપીલ કરી હતી. “ મારૂં ગામ કોરોના મુક્ત ગામ “ બને તે માટે પદાધિકારીશ્રીઓએ પોતાના ગામમાં જ ૧૦ લોકોની ટીમ બનાવીને ડોર-ટુ-ડોર સર્વેલન્સથી થઇ રહેલી કામગીરીમાં સહભાગી બનવાં
અને દરદીઓને હોમ આઇસોલેટ કરવામાં આવે છે તે અંગે પણ પદાધિકારીશ્રીઓ પ્રજાને સમજાવે તેની સાથોસાથ ટેસ્ટિંગ કરવા માટે તેમજ રસીકરણ માટે પ્રોત્સાહિત કરે તેવી અપેક્ષા તેમણ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો ગામની સ્કૂલ ખાતે આઇસોલેટ થાય અને બહારથી આવેલા લોકોને સ્કૂલ ખાતે આઇસોલેટ રાખવાની તેમણે અપીલ કરી હતી.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડ-૧૯ ને નિયંત્રણ કરવા માટે અનેકવિધ સુવિધાઓ ઉભી કરી છે જેમાં ઓક્સિજનની પૂરતી સુવિધા, જિલ્લા/તાલુકા કક્ષાએ કોવિડ કેર સેન્ટરોમાં પૂરતા બેડની સુવિધાઓ ઉભી કરાઇ છે. નર્મદા જિલ્લામાં ઇ્ઁઝ્રઇ ટેસ્ટની લેબ પણ ઉભી કરવામાં આવી હોવાથી હવે ભરૂચ, સુરત કે વડોદરા ટેસ્ટિંગ માટે હવે આપણે જવું નહી પડે તેમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.એમ.ડિંડોરે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સામાન્ય લક્ષણ ધરાવતા દરદીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આશાબહેનો, આગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખીમંડળના બહેનો દ્વારા કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે.
જેમાં શરદી-ખાસી તથા તાવના દરદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમજ ૧૨ લાખ જેટલી દવાઓની કિટ્સનું વિતરણ પણ કરાશે. જેમાં કઇ દવા ક્યારે લેવાની છે તેની માહિતી પણ પુરી પડાશે. જિલ્લા વહિવટી તંત્ર કામ કરી રહ્યું છે તેની સાથે જિલ્લાના પદાધિકારીશ્રીઓ પણ જાેડાય તો કોરોનાને અવશ્ય નિયંત્રિત કરવામાં આપણે સફળતાં સાંપડવાનું શ્રી ડિંડોરે ઉમેર્યું હતું.
આ બેઠકમાં ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તરફથી આરોગ્યલક્ષી સેવાઓ અને સારવાર સંદર્ભે કરાયેલી પૃચ્છા અને સૂચનો અંગે જિલ્લા આરોગ્યતંત્રના એપિડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ. કશ્યપે તેમના પ્રત્યુત્તરમાં જરૂરી સમજ સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. *