Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં ૨૨૧ વાજબી ભાવની દુકાનોએથી NON-NFSA APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે થઇ રહેલું અનાજ વિતરણ

નિયત તારીખ મુજબ અનાજનો જથ્થો ન મેળવનાર કાર્ડધારકોએ તા. ૧૨ મી મે અથવા ત્યારબાદ વહેલી તકે અનાજનો જથ્થો મેળવી લેવાનો રહેશે

રાજપીપલા,  કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને અનુલક્ષીને રાજ્ય સરકારે NON-NFSA APL-1 કાર્ડધારકોને નિર્ધારિત પ્રમાણમાં અનાજનો જથ્થો પુરો પાડવાની કરાયેલી વ્યવસ્થાના ભાગરૂપે નર્મદા જિલ્લામાં માહે- મે ૨૦૨૦ અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ થતો નથી તેવા NON-NFSA APL-1 ના જિલ્લાના ૨૫,૫૯૫ લાભાર્થી રેશન કાર્ડધારકોને “વિનામૂલ્યે ફૂડ બાસ્કેટ” થી જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનો પરથી રેશનકાર્ડ દિઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા.ચોખા, ૧ કિ.ગ્રા.ખાંડ તથા ૧ કિ.ગ્રા. ચણાદાળ અનાજનું જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વિતરણ થઇ રહ્યું છે. રેશનકાર્ડના અંતિમ આંક મુજબ ઉક્ત અનાજ વિતરણ થઇ રહ્યું છે. સંજોગોવસાત નિયત તારીખ મુજબ અનાજનો જથ્થો ન મેળવનાર કાર્ડધારકોએ તા. ૧૨ મી મે, ૨૦૨૦ અથવા ત્યારબાદ વહેલી તકે અનાજનો જથ્થો મેળવી લેવાનો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં ઉક્ત યોજના હેઠળ આવરી લેવાયેલ કુલ- ૨૫,૫૯૫ લાભાર્થી રેશનકાર્ડ ધારકોમાં નાંદોદ તાલુકામાં ૯,૯૯૯, દેડીયાપાડા તાલુકામાં ૪,૮૬૫, સાગબારા તાલુકામાં ૪,૮૮૬, તિલકવાડા તાલુકામાં ૨,૬૦૨ અને ગરૂડેશ્વર તાલુકામાં ૩,૨૪૩ રેશન કાર્ડધારકોનો સમાવેશ થાય છે.

જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા જિલ્લાની તમામ વાજબી ભાવની દુકાનો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા સોશીયલ ડિસ્ટન્સીગના અમલ માટે એક ગ્રામ સરપંચ / ગામ આગેવાન, ગ્રામસેવક / તલાટી, શિક્ષક, જી.આર.ડી. જવાન / હોમગાર્ડ / પોલીસની ટીમ મુકરર કરવામાં આવેલ છે. તમામ રેશનકાર્ડ ધારકો અનાજ લેવા જાય ત્યારે આધારકાર્ડ ફરજિયાત સાથે લઇ જવા માટે પણ જણાવાયેલ છે.

જિલ્લાના અન્ય ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને અનાજનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે જે લાભાર્થી સાધન સંપન્ન છે, તેવા લાભાર્થી પોતાને મળવાપાત્ર જથ્થો સ્વેચ્છાએ જતો કરે તેવી જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા જાહેર જનતાને કરાઇ છે.

નર્મદા જિલ્લામાં સરકારશ્રીની ઉક્ત યોજના હેઠળ વિનામૂલ્યે થઇ રહેલા અનાજ વિતરણના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. તેવા સંજોગોમાં અમારી પાસે એપીએલના રેશનકાર્ડ હોવાથી સરકારશ્રી તરફથી અમોને વિનામૂલ્યે ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડનો જથ્થો મળી રહેવાથી અમે અત્યંત ખુશીની લાગણી વ્યક્ત કરવાની સાથે સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.