નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આંતરરાષ્ટ્રિય વ્યસન મુક્તિ દિવસની થયેલી ઉજવણી
રાજપીપલા, નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તાજેતરમાં આંતરરાષ્ટ્રિય વ્યસન મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે દેડીયાપાડા ખાતે એ.એન.બારોટ વિદ્યાલય ખાતે એક દિવસીય જાગૃત્તિ શિબીર યોજાઇ હતી, જેમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૭૭ તેમજ કલમ-૭૮ અનવ્યે બાળકોને નશીલા પદાર્થોનું સેવન કરાવવું તથા વેચાણ કરવું તે અંગેની કાયદાકીય જોગવાઇ તથા બાળ લગ્ન, બાળ મજૂરી, પોક્સો વગેરે જેવા કાયદાઓ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ-સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ વિશે સમજ આપવામાં આવી હતી, જેમાં એ.એન. બારોટ વિદ્યાલયનાં અંદાજે-૪૦૦ જેટલાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં બાળકોને જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશન ઓફિસર સુ. રીટાબેન પટેલ દ્વારા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ તથા તેમાં સમાવિષ્ટ કલમ-૭૭ અંતર્ગત કોઇ પણ બાળકોને નશીલા દારૂ અથવા નાર્કોટીક ડ્રગ અથવા સાઇકોપેટ્રીક પદાર્થ આપવાની સાત વર્ષની સજા તેમજ એક લાખના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે તે અંગે તેમજ કલમ-૭૮ અન્વયે કોઇ પણ નશીલા દારૂ, નારકોટીક ડ્રગ અથવા સાઇકોપેટ્રીક પદાર્થના વેચાણ, હેરાફેરી, દાણચોરી કરવા માટે એક બાળકનો ઉપયોગ કરવામા આવે તો સાત વર્ષની સજા તેમજ એક લાખના દંડની જોગવાઇ કરવામાં આવેલ છે, તે અંગેની બાળકોને સમજ આપવમાં આવી હતી. તેની સાથોસાથ બાળકોને બાળ લગ્નઅધિનિયમ, બાળ મજુરી વગેરે અંગે પણ કાયદાકીય જાણકારી આપવામાં આવી હતી. આઉટરીચ વર્કર મહેન્દ્રભાઇ વસાવા દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા તેમજ જિલ્લા બાળ સુરક્ષાની યોજનાકીય માહિતી અંગેની સમજ ઉપરાંત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના વકીલઓ દ્વારા પણ પોક્સો એક્ટ-૨૦૧૨ અંગે સમજુતી અપાઇ હતી.
આ પ્રસંગે બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશન ઓફિસર સુ. રીટાબેન પટેલ તથા આઉટ રીચ વર્કર મહેન્દ્રભાઇ વસાવા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના વકીલઓ, શાળાના આચાર્ય યોગેશભાઇ ભાલાણી તથા શાળા પરિવારના શિક્ષકગણ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.