નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવતા તંત્ર એલર્ટ
(પ્રતિનિધિ) ભરૂચ, સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદીએ ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવતા વહીવટી તંત્રએ સતર્ક થઈ સ્થળાંતર માટે ની તૈયારી પણ કરી દેવામાં આવી છે. નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ટૂંકા ગાળામાં પુનઃ એકવાર ભરૂચ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે ગોલ્ડન બ્રિજ પર ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવી ૨૫.૫૦ ફૂટ પર વહેતી થઈ છે.
પૂરની સ્થિતિ નું પુનઃ નિર્માણ થતા ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત કાંઠા વિસ્તાર ના ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ના કાંઠે આવેલ ઝુંપડપટ્ટી ના પરિવારો ઉંચા સ્થળે ગોલ્ડન બ્રિજ પાસે ડેરા તંબુ તાણ્યા છે તો બીજી બાજુ ભરૂચ નગર પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા,ચીફ ઓફીસર સંજય સોની એ ગોલ્ડન બ્રિજ પાસે મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે તંત્ર સતત ઉચ્ચ સ્તરે સંક્લન માં રહી ને સ્થિતિ નું મોનીટરીંગ કરી રહ્યું છે.રેસ્ક્યુ સહિત સિફટીંગ માટે ની પણ તમામ તૈયારીઓ તંત્ર દ્વારા રાખવામાં આવી હોવાનું પણ તેઓ એ કહ્યું હતું. વીસ દિવસ કરતા પણ ઓછા ગાળામાં પુનઃ એકવાર પૂર ની સ્થિતિ થી અસરગ્રસ્ત પરિવારો અને તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ત્યારે નર્મદા ની જળસપાટી કેટલી પહોંચે છે અને તેની કેવી અસર રહે છે તે જોવું રહ્યું.*