નર્મદા નદીને પુનઃ ભરૂચના કિનારે લાવવાની માછીમાર સમાજની માંગ સાથે આવેદન
મકતમપુર થી ગોલ્ડન બ્રિજ થી તાડીયા બાવાજમન સુધી નર્મદા નદીની કેનાલ બનાવવાની માંગ.: નર્મદા જયંતિ સુધી માં કામગીરી ચાલુ કરવા અલ્ટીમેટમ આપ્યું છતાં કામગીરી ચાલુ નહીં થાય તો આંદોલનની ચીમકી.
ભરૂચ: નર્મદા નદીને પુનઃ ભરૂચ શહેર ના કિનારે લાવવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી ભરૂચ ના ભવ્ય વૈભવ અને સૌંદર્ય ને પરત લાવવાની માંગણી કરવામાં આવી હતી અને નર્મદા જયંતિ સુધી માં કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉનાળા દરમ્યાન સૂકી ભથ્થ બનેલ નર્મદા નદી ચોમાસા દરમ્યાન સરદાર સરોવર ઓવરફ્લો થતા બે કાંઠે વહેતી થઈ હતી.જો કે ચોમાસા બાદ પુનઃ નર્મદા નદી માં પાણી નો પ્રવાહ ઘટી ગયો છે.
બીજી બાજુ નર્મદા નદી ને ફરી ભરૂચ ના કિનારે લાવવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા મુખ્યમંત્રી ને સંબોધેલ આવેદનપત્ર કલેકટર ને પાઠવી નર્મદા નદી ના વહેણ ને ભરૂચ શહેર તરફ વાળવા માટે મકતમપુર થી ગોલ્ડન બ્રિજ થી તાડીયા બાવાજમન સુધી નર્મદા નદી ના પાણી અવર જવર માટે ની પ્રાકૃતિક વહેણ ની કેનાલ બનાવી ને ભરૂચ નું વૈભબ પાછો લાવવાની માંગણી કરવામાં આવી છે.
આવેદનપત્ર માં નર્મદા નદી ને ભરૂચ શહેર તરફ વાળવા થી નર્મદા નદી માં જે ૮ થી ૧૦ કિલોમીટર લાંબો અને ૧ થી ૨ પહોળો બેટ બનેલો છે તેને ધીરે ધીરે ધોવાણ થી દુર કરી શકાશે અને અંકલેશ્વર તરફ ના ગામડાઓ ના ખેડૂતો ની મહામૂલી ખેતી ની જમીનો નું ધોવાણ પણ અટકશે તથા ૧૬૨ કિલોમીટર નર્મદા નદી ઉપર ગુજરાત માં ક્યાંય મોટા ઘાટ નથી તેથી નર્મદા નદી પર મોટા ઘાટ બનાવી શકાશે.
તે ઉપરાંત નર્મદા નદી ની પાણી ની સ્ટોરેજ ની કેપીસીટી માં પણ વધારો થશે. આગામી નર્મદા જયંતિ પહેલી ફેબ્રુઆરી ના રોજ હોય ત્યાં સુધીમાં આ અંગે ની કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો કર્માનુસાર આંદોલન ના શ્રી ગણેશ કરી જલદ આંદોલન કરવાની ચીમકી પણ આવેદનપત્ર માં આપવામાં આવી છે.
પુરાણો માં ભૃગુઋષિ ભરૂચ તરફ નર્મદા નદી ને લાવ્યા હોવાની માન્યતા છે.પુનઃ માછીમાર સમાજ નર્મદા નદી ને ભરૂચ તરફ લાવી તેના વૈભવ અને સૌંદર્ય માટે ના આંદોલન ની તૈયારી કરી રહ્યો છે.ત્યારે સરકાર કેવો નિર્ણય લઈ ક્યાં સુધી માં નર્મદા માટેની આ માંગને પુરી કરે છે તે જોવું રહ્યુ.