નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે માછીમાર સમાજની મહિલાઓના દેખાવો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના માછીમાર સમાજની મહિલાઓ દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે અનોખો વિરોધ કરી કલેકટર કચેરી ખાતે આરતી ઉતારી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં ન આવતા મૃતઃપ્રાય બનેલ નર્મદા નદીને જીવંત રાખવા ભરૂચના માછીમાર સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે જે માટે સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ મહિલા શક્તિ સમિતિની મહિલાઓએ આગળ આવી નર્મદા નદીનો વિનાશ થઈ રહયો હોય તમામ ગેટ કાયમ માટે ખુલ્લા કરવા અને ડેમમાંથી ૬૦૦૦ કયુસેક પાણી છોડવા તથા બેરોજગાર બનેલ માછીમાર પરિવારોને નુકશાની વળતર ચુકવવાની માંગણી સાથે કલેકટર કચેરી ખાતે અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદાનુ પાણી લઈ જવામાં સફળ થનાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની પ્રસંશા કરી તેઓના લખાણ સાથે મહિલાઓ સામે આરતી ઉતારી માછીમાર મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવી સ્થાનિક નેતાઓની નિષ્ફળતા સામે રોષ પણ વ્યકત કર્યો હતો.
આ બાદ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સરદાર સરોવર નિગમ અધ્યક્ષ તેમજ કલેકટરને સંબોધેલ આવેદનપત્ર પાઠવ્યુ હતું જેમાં નર્મદા નદીમાં પાણી ન હોવાથી બેરોજગાર બનેલ માછીમાર પરિવારોને છેલ્લા ત્રણ વર્ષથી મત્સ્ય પડતરમાં થયેલા ૯૦ ટકા થયેલા ઘટાડાની નુકશાનીની વળતર ચુકવવા, ડેમમાંથી ૬૦૦૦ ક્યુસેક પાણી છોડવા સહિતની માંગણીઓ પૂરી કરવાની માંગ કરવામાં આવી હતી.*