નર્મદા નીરના વધામણા કરતાં મુખ્યમંત્રી
નમર્દા ડેમની સપાટી ૧૩૧ મીટરથી વધતા ડેમના રપ દરવાજા ખોલાયા : કિનારા પરના પ૦ થી વધુ ગામડાઓ એલર્ટ કરાયા |
(પ્રતિનિધિ) અમદાવાદ : રાજયની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં દરવાજા નાંખ્યા બાદ ગઈકાલ મોડીરાતથી જ ઐતિહાસિક સપાટીએ જળસ્તર પહોંચતા જ નર્મદા ડેમના રપ દરવાજા ૦.૯ર મીટર સુધી ખોલી નાંખવામાં આવતા જ વડોદરા, નર્મદા, ભરૂચ સહિતના જિલ્લાઓના પ૦ થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
#Historicalmoment after constructed gates on SARDAR SAROVAR DAM & Happiest moment of gujarat's farmers & people for #irrigation & #drinkingwater.#નમામિદેવીનર્મદે
@PMOIndia @narendramodi @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel pic.twitter.com/piPnUBbI15— Archit mewada (@Architmewada) August 9, 2019
નર્મદા ડેમમાં પાણીની સપાટી પ્રથમ વખત ૧૩૧.૧૮ મીટરે પહોચી છે જેના પગલે નીરના વધામણા કરવા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નર્મદા ડેમ પર પહોંચી ગયા હતાં અને પૂજા અર્ચના કરી નર્મદાના નીરને વધાવ્યા હતાં.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહયો છે આ દરમિયાનમાં ગઈકાલ રાત્રે નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૩૧.૧૮ મીટરે પહોંચતા તાત્કાલિક અસરથી નર્મદા ડેમના રપ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે જેના પરિણામે કિનારાના વિસ્તારો ખાલી કરાવાયા છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી કોઈને પણ કિનારા સુધી જવા દેવામાં આવતા નથી.
વડોદરાના ર૪ ગામો સહિત કુલ પ૦ જેટલા ગામોને હાઈએલર્ટ કરાયા છે અને કેટલાક ગામોને ખાલી કરાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરતા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે નર્મદા ડેમમાં પાણીની સપાટી હજુ વધવાની શક્યતા છે
હાલમાં નર્મદામાંથી મોટીમાત્રામાં પાણી છોડવામાં આવી રહયું છે. રાજયભરમાં મધરાતથી સાર્વત્રિક વરસાદ પડી રહયો છે જેમાં ધનસુરામાં ર કલાકમાં ૩ ઈંચ વરસાદ પડયો હતો જયારે છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ પડવાના કારણે હેરણ નદીમાં ઘોડાપુર આવ્યા છે. પાટણ, ડભોઈ, વિજયનગર, કરજણ, મોડાસા, સાવલી, દાહોદ, ધનસુરા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહયો છે અંબાજીમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે અને બજારો બંધ કરી દેવાયા છે.
પંચમહાલના હડફ ડેમના પાંચ દરવાજા ખોલી નાંખવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક રીતે ૧૩૧ મીટરને પાર થતાં જ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સવારે નર્મદા ડેમ પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે ગુજરાત માટે આ રૂડો અવસર છે અને નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા છે. આ પાણીને રાજયના ખુણાના ગામડા સુધી પહોંચાડવામાં આવશે.