નર્મદા નીરના વધામણા કરતા વડાપ્રધાન
નર્મદા સાઈટ પર હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રદક્ષિણા કર્યાં બાદ જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન તથા બટર ફલાય ગાર્ડનની મુલાકાત લીધી : ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મોદીએ વિકાસના પ્રોજેકટોની રૂપરેખા આપી |
(પ્રતિનિધિ) અમદાવાદ : દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના આજે ૬૯મા જન્મદિવસ નિમીત્તે વિશ્વભરમાંથી રાજકિય નેતાઓ તથા અગ્રણીઓ શુભકામના પાઠવી રહયા છે પોતાના જન્મદિવસ નિમિતે મોદી ગુજરાતની મુલાકાતે આવેલા છે અને રાજયભરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે
આજે સવારે રાજભવનથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ રાજયની જીવાદોરી સમાન નર્મદા ડેમ સાઈટ પર પહોંચી ગયા હતા અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, બટર ફલાય ગાર્ડન સહિતના નજરાણાની મુલાકાત લીધી હતી અને સૌથી મહત્વપૂર્ણ તેમણે સૌ પ્રથમવાર નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૩૮.૬૬ મીટરે પહોંચતા નર્મદા નીરના તેમણે વધામણા કર્યા હતાં અને આ પ્રસંગે યોજાયેલી જાહેરસભાને પણ તેમણે સંબોધી હતી આ પ્રસંગે તેમણે દેશના વિકાસના પ્રોજેકટોની રૂપરેખા પણ આપી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મ દિવસે ગુજરાતની મુલાકાતે આવેલા છે ગઈકાલે રાત્રે હવાઈમથક પર રાજયપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું અને એરપોર્ટ પરથી તેઓ સીધા જ રાજભવન પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું.
વહેલી સવારે નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ કર્યાં બાદ તેઓ સીધા જ ગુજરાતના સૌથી મોટા નર્મદા ડેમની મુલાકાતે જવા માટે કેવડિયા કોલોની રવાના થયા હતાં કેવડિયા કોલોની પહોચતા જ સૌ પ્રથમ તેમણે હેલિકોપ્ટર મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રદક્ષિણા કરી હતી અને આ પ્રસંગની તસવીરો પણ તેમણે કેમેરામાં કંડારી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રદક્ષિણા બાદ તેઓ નર્મદા ડેમની સાઈટ પર ગયા હતાં. નર્મદા ડેમ સાઈટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક નજરાણા ઉભા કરવામાં આવ્યા છે સૌ પ્રથમ તેમણે ઈલેકટ્રિક કારમાં બેસી આફ્રિકન સફારીની સ્ટાઈલમાં જંગલ સફારીની મુલાકાત લીધી હતી આ સ્થળ પર કેકટ્રસ ગાર્ડન પણ બનાવવામાં આવેલો છે અને તેમાં વિશ્વભરના કેકટ્રસ ઉગાડવામાં આવેલા છે. આ અદ્ભુત સ્થળની મુલાકાત લઈ મોદી ખુશ જણાતા હતા. અહીયા તેમણે વધુ સમય વિતાવ્યો હતો આ સ્થળની પાસે જ બટર ફલાય ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. જંગલ સફારીમાં વન્યપ્રાણીઓને પણ તેમણે નિહાળ્યા હતાં.
જંગલ સફારીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજયપાલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો જાડાયા હતા આ તમામ મહાનુભાવો મોદીની સાથે બટર ફલાય ગાર્ડનમાં પણ પહોંચ્યા હતાં અહીયા વડાપ્રધાન મોદીએ વિવિધ રંગબેરંગી પતંગિયાઓને ઉડાડયા હતા
આ સ્થળે વિદેશના પ૦થી વધુ પ્રજાતિના પતંગિયાનો ઉછેર કરવામાં આવી રહયો છે અને વિદેશમાંથી ખાસ વૃક્ષો પણ અહી લાવવામાં આવેલા છે આ ગાર્ડનમાં રંગબેરંગી પતંગિયા જાવા મળતા હતાં. નર્મદા ડેમ સાઈટની મુલાકાત લીધા બાદ તેમણે નર્મદા ડેમ ખાતે પહોંચી જઈ ઈતિહાસમાં સૌ પ્રથમવાર સંપૂર્ણ ભરાયેલા નર્મદા ડેમનો નજારો નિહાળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી નર્મદા ડેમને નવોઢાની જેમ શણગારવામાં આવ્યો છે અને રાત્રિના સમયે તિરંગાની લાઈટની સમગ્ર ડેમ ઝળહળી ઉઠે છે.
આજે સવારે પણ નર્મદા ડેમ શણગારવામાં આવ્યો હતો અને વડાપ્રધાન મોદીએ નર્મદા ડેમ ઉપર સમય વિતાવ્યો હતો. મોદીએ નર્મદા ડેમ સાઈટ સાથે સંકળાયેલા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સતત ચર્ચા કરી હતી અને હજુ વધુને વધુ આ સાઈટ પર આકર્ષણો ઉમેરવા માટે ખાસ સૂચના આપતા જાવા મળ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૬૯મા જન્મદિને પોતાની જન્મભૂમિ ગુજરાત પર કેટલાક મહત્વકાંક્ષી અને પ્રજાલક્ષી પ્રોજેકટોનું લોકાર્પણ કરવાના છે અને તે માટે આજે તેઓ ગુજરાતની મુલાકાતે આવેલા છે. સવારથી જ તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત જણાતા હતા અને સૌથી મહત્વપૂર્ણ નર્મદા નીરના વધામણા તેમણે કર્યા હતાં
આ પ્રસંગે માતા નર્મદાને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરી હતી. નર્મદા ડેમ ઈતિહાસમાં સૌ પ્રથમવાર ૧૩૮.૬૩ મીટરને સપાટીએ પહોંચ્યો છે અને સતત પાણીની આવક થઈ રહી છે ત્યારે ડેમના દરવાજા પણ ખોલી નાંખવામાં આવ્યા છે આ અદ્ભુત નજારો નિહાળી વડાપ્રધાન મોદી પણ ખૂબ જ ભાવુક બન્યા ગુજરાતનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે.
નર્મદા નીરના વધામણા ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યાં બાદ મોદી સીધા જ ડેમની નજીક આયોજીત જાહેરસભાને સંબોધવા પહોચી ગયા હતાં આ પ્રસંગે સૌ પ્રથમ રાજયપાલ, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ ભાજપ સરકારની સિદ્ધિઓ જણાવી હતી અને ભાવિ વિકાસના પ્રોજેકટોની પણ જાણકારી આપી હતી ખાસ કરીને ગુજરાત માટેના કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેકટો પણ તેમણે વર્ણવ્યા હતાં.