નર્મદા બ્રિજ ઉપર ડિવાઈડરમાં કાર ઘુસી જતા ચાલકને ઈજા

અંકલેશ્વર તરફ થી પુરઝડપે આવેલા કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડરમાં ધડાકા સાથે અથડાતા કારનો કુરચો બોલી ગયો.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર વાહન ચાલકો પોતાના વાહનો પુરઝડપે હંકારતા અકસ્માત સર્જી રહ્યા છે.ત્યારે અંકલેશ્વર તરફ થી આવેલ કારના ચાલકે પોતાની કાર પુઝડપે હંકારી ભરૂચ તરફ જમણી તરફ વળવું કે ડાબી તરફ તે મૂંઝવણમાં બંને સાઈડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથાડી દેતા કારનો કુરચો બોલી ગયો હતો.જયારે ચાલકને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ – અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ જયારથી કાર્યરત થયો ત્યાર થી જ અકસ્માતોની વણઝાર વહી રહી છે.ત્યારે આજે બપોરના સમયે અંકલેશ્વર તરફ થી પુરઝડપે આવેલી કાર નંબર જીજે ૧૬ સીબી ૬૭૯૮ ના ચાલકે ભરૂચ તરફ ના છેડા ઉપર જમણી તરફ વળવું કે ડાબી તરફ તે મૂંઝવણમાં બંને સાઈડ ની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે જોરદાર ધડાકા સાથે અથાડી દેતા કારનો આગળનો સંપૂર્ણ ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.જયારે કાર ચાલક વૈભવ ચૌહાણને સામાન્ય ઈજા થતા સારવાર માટે ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.અકસ્માતના પગલે લોકો ભેગા થઈ જતા ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પુરઝડપે દોડતા વાહનો ના પ્રતાપે અકસ્માતોની વણઝાર થઈ રહી છે.ત્યારે નર્મદા મૈયા બ્રિજના બંને છેડા ઉપર સીસીટીવી કેમેરા લગાવી પુરઝડપે દોડતા વાહનો ની કેમેરા થકી સ્પીડ માં દોડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તો નર્મદા મૈયા બ્રિજ ઉપર થતા અકસ્માતો ઉપર અંકુશ મૂકી શકાય તેમ છે.