નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું જારી થવા જઈ રહ્યું છે

ભારે વાહનોથી સર્જાતા અકસ્માતોને લઈ નિર્ણય ૨૫ મે થી પ્રતિબંધની અમલવારી કરી નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ ઉપરથી હવે વહન નહિ કરી શકે ભારે વાહનો.
ST બસોને પણ પાબંદી લગાવવાની હિલચાલ : બ્રિજના બન્ને છેડે એંગલો લગાડાશે : સાંજના પીક અવર્સમાં ભારે વાહનોના પગલે સર્જાતી હતી ટ્રાફિકની સમસ્યા.
જોકે એસ.ટી વિભાગે સરકાર,મુસાફરોના હિતમાં સમય, ઈંધણ અને ટોલ ટેક્સ બચે તે માટે સરકારી બસોને છૂટ આપવા રજુઆત કરી.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.જેને લઈ તંત્ર ૨૫ મે થી તમામ ભારે વાહનો ઉપર પ્રતિબંધનું જાહેરનામું જારી થવા જઈ રહ્યું છે.ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું ગત વર્ષે અષાઢી બીજથી લોકાર્પણ કરાયું હતું. હજી બ્રિજ કાર્યરત થયાને એક વર્ષ પણ થયો નથી ત્યાં ૪૫૦ કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના લીધે અકસ્માતોની વણઝાર સર્જાઈ ગઈ હતી.
નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ટાળવા ધારાસભ્ય દુષ્યંત પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણશ મોદીને રજુઆત કરી હતી.નર્મદા મૈયા બ્રિજ ઉપર જે ભારે વાહનો જતા હતા અને અકસ્માતો સર્જાતા હતા જેનું સુખદ નિવારણ આવ્યું છે તેમ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું છે.જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, શનિવારે જાહેરનામું પ્રસિદ્ધ કરી ૨૫ મે થી નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાશે.
બ્રિજની બન્ને તરફ ભારે વાહનો ન પ્રવેશે તે માટે એન્ગલો પણ લગાડવામાં આવનાર છે.ત્યારે એસટી તંત્ર એ સરકાર અને તંત્રને અપીલ કરી છે કે, સરકારી ઈંધણ, ટોલ ટેક્સ, મુસાફરોનો સમય બચે તે માટે એસટી બસોને બ્રિજ પરથી અવર જવરની પરવાનગી કાર્યરત રખાઈ.બીજી તરફ સાંજે પીક અવર્સમાં ભરૂચમાં નર્મદા ચોકડી, એબીસી ચોકડી, કોલેજ રોડ, અંકલેશ્વરમાં મહાવીર ટર્નીગ,વાલિયા અને પ્રતિન ચોકડી ઉપર ટ્રાફિકજામ સર્જાતો હતો.જેનું મૂળ કારણ ખાનગી ભારે વાહનો નર્મદા બ્રિજ પરથી પસાર થવાનો આગ્રહ રાખતા હોવાનું હતું.