નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાત મામલે મંગેતર સામે ફરિયાદ
મોબાઈલમાં મળેલા કોલ રેકોર્ડિંગના આધારે ફરિયાદ નોંધી
મંગેતર સગાઈ તોડી નાંખવા તથા નંણદોયા અને તેના મિત્ર દ્વારા અસ્મિતાના હાથપગ બાંધી માર મારવાની ધમકીઓ આપતા હતા
રાજકોટ, રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થી આપઘાત મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રદ્યુમનનગર પોલીસે મોબાઈલમાં મળેલા કોલ રેકોર્ડિંગના આધારે ફરિયાદ નોંધી છે. મંગેતર, સાસરિપક્ષ દ્વારા દબાણ અને ફોનમાં ધમકીઓ આપતા હોવાનું સામે આવ્યા બાદ સિદ્ધરાજ બારૈયા, નણંદના મંગેતર અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. અસ્મિતા રોજાસરા નામની યુવતિએ ૯ ઓગસ્ટના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મંગેતર સગાઈ તોડી નાંખવા તથા નંણદોયા અને તેના મિત્ર દ્વારા અસ્મિતાના હાથપગ બાંધી માર મારવાની ધમકીઓ આપતા હતા. રાજકોટના જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે આવેલા ક્વાર્ટરમાં રહી સોઢા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી મૂળ બોટાદના ગઢડા (સ્વામિ)ના ગામની અસ્મિતા પરસોત્તમ રોજાસરા (ઉ.વ.૨૪)એ ત્રણ દિવસ પહેલા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
તેના પિતાએ મંગેતર સિધ્ધરાજ અરવિંદ બારૈયા (રહે. વડોદરા) સગાઇ તોડી નાખવા માટે ખૂબ જ દબાણ કરતો હોવાથી માનસિક તનાવમાં આવી તેની પુત્રીએ આત્મહત્યા કર્યાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અસ્મિતા મોટી બેન છાયા કે જે સિવિલમાં નર્સ તરીકે નોકરી કરે છે. તેની સાથે રહી નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ગઇ તા. ૯ના રોજ તેણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતા પરસોત્તમભાઇ (ઉ.વ. ૪૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે.
બીજા નંબરની પુત્રી અસ્મિતાની બે વર્ષ પહેલા ગઢડાના સાંજણાવદર ગામના સિધ્ધરાજ સાથે સગાઇ કરી હતી. જે વડોદરામાં નોકરી કરે છે. એટલું જ નહીં સિધ્ધરાજ તેની ભાભી સાથે વાતો કરતો હોવાથી તેની દીકરીને તેની સાથે છેલ્લા ત્રણેક મહિનાથી તકરાર ચાલતી હતી. આ વાત તેની પુત્રીએ તેને પણ વાત કરી હતી. પરિણામે તેણે થોડા દિવસ પહેલા સિધ્ધરાજને સમજાવટ કરી હતી. સાથોસાથ એમ પણ કહ્યું હતું કે જાે તમારે બંનેને ભળતુ ન હોય તો છુટ્ટુ કરી નાખો. જેથી સિધ્ધરાજે હું મારા માતા-પિતાને પૂછી જવાબ આપીશ તેમ કહ્યું હતું.
આ બાબતે વેવાઇ અરવિંદ સાથે પણ વાત કરી હતી. પરંતુ બંનેમાંથી કોઇએ જવાબ આપ્યો ન હતો. તેની પુત્રીને સગાઇ તોડવી ન હતી.આ સ્થિતિમાં ગઇ તા. ૮ના રોજ તેની પુત્રીએ તેને કોલ કરી પૂછ્યું કે જમાઇનો ફોન આવે છે કે કેમ જેની સામે તેણે કહ્યું કે ક્યારેક-ક્યારેક આવે છે. આ વાત સાંભળી તેની પુત્રીએ કહ્યું કે તે એમ કહે છે કે હું ગમે તે કરૂં તારે મને કાંઇ પૂછવાનું નથી, હું ગમે તેમ કરી સગાઇ તોડી નાખીશ. આ રીતે તેને ટોર્ચર કરતો હોવાની વાત કરી હતી. ત્યારબાદ તેની પુત્રીએે ગઇ તા. ૯ના રોજ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જાણ થતા તે સિવિલ દોડી આવ્યા હતાં. તે વખતે તેની પુત્રીનો ફોન ચેક કરતા જાણવા મળ્યું કે ગઇ તા ૯ના રોજ સવારે તેણે મહિલા હેલ્પલાઇનમાં એવી ફરિયાદ કરી હતી કે તેનો મંગતર તેને ત્રાસ આપે છે. એટલું જ નહીં ગયા રવિવારે તેના મગેતરની બહેનનો મંગેતર એટલે કે તેનો ભાવિ નણદોયો તેના મિત્ર સાથે તેની પુત્રીના ક્વાર્ટરે આવ્યો હતો. જ્યાં તેના હાથ-પગ બાંધી, સાસુ-સસરા વિરૂધ્ધ બોલાવ્યું હતું. એમ પણ કહ્યું હતુ કે તું અને તારા પપ્પા આ સગાઇ નહીં તોડો તો જાનથી મારી નાખીશ. આ ઉપરાંત તેની પુત્રીએ મંગેતર સાથે ચેટ કર્યાનું પણ જાેવા મળ્યું હતું.ss1