Western Times News

Gujarati News

નર્સિંગ ડેઃ રાજ્યભરમાં નર્સોએ વિરોધ પ્રદર્શન કરી હળતાળની ચીમકી આપી

અમદાવાદ: રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે જ્યારે બીજી તરફ નર્સ અને ડોડક્ટો પોતાની માંગો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે ૧૨મી મે એટલે, વિશ્વભરમાં નર્સિંગ ડે ઉજવાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યની નર્સો પોતાની માંગ સાથે કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. યુનાઇટેડ નર્સિંગ ફોરમની અગાઉની પોતાની પડતર ૧૫ જેટલી માગણીઓને લઈને કોઈપણ સમાધાન નહીં આવતાં ફરી નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આગામી ૧૭ મે સુધી આ આ પ્રકારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવનાર છે જાે ૧૭મી સુધી કોઈ માગણી નહીં સંતોષાય તો નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જાેકે, આ અંગે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, તબીબો પ્રત્યે સરકાર હકારાત્મક છે. તેઓ વિરોધ પ્રદર્શનનું હથિયાર ન ઉગામે. તેઓ પોતાનું સેવાકીય કામ ચાલુ રાખે.

નર્સ દ્વારા લખયેલા પત્ર પ્રમાણે, તેઓ સતત કોરોનાનાં સમયમાં દિવસ રાત નોકરી કરે છે. તેઓ અનેક વખત સંક્રમિત થયા છે. તેના લીધે કેટલીક નર્સે પણ પોતાનો જીવ ગુમાવી દીધા છે. ત્યારે તેમની સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. જેને તાત્કાલિક ન્યાય મળે અને તેમની માંગ સંતોષવામાં આવે. રાજ્ય સરકારને અનેક રજૂઆતો બાદ પણ નર્સીસ પ્રત્યે ઉદાસીન અને ઉપેક્ષિત વલણ દાખવવાના પરિણામે હવે નર્સો આંદોલનનું શસ્ત્ર ઉગામવા જઈ રહ્યા છે.

નર્સોની માંગણીઓ છે કે, તેમને ગ્રેડ પે રૂ.૪૨૦૦ અને ખાસ ભથ્થાઓ રૂ.૯૬૦૦ પ્રતિ માસ ચૂકવાય. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને રૂ.૩૫૦૦૦ માસિક પગાર ચૂકવાય. નર્સિંગ સ્ટુડન્ટ્‌સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. ૧૫૦૦૦ પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક બીએસસી ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. ૧૮૦૦૦ પ્રતિ માસ ચૂકવાય. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ ૧૦-૨૦-૩૦ વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય. રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી લગભગ ૪૦૦૦ જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરાય.

નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર અપાય અથવા જમા કરવાનો હુકમ થાય. ફિક્સ પગારમાં ફરજાે બજાવતા નર્સીસને પણ આ તમામ ભથ્થા સમાન દરે ચૂકવાય.રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તબીબોનાં પડતર પ્રશ્ન અંગે જણાવ્યું કે, સમાધાન માટે એક કમિટિ બનાવવામાં આવી હતી. જેમને તેમના પ્રશ્નો સાંભળ્યા અને તે બાદ આ અંગે મુખ્યમંત્રી રૂપાણીને વાકેફ કરવામાં આવ્યાં છે.

જે બાદ મુખ્યમંત્રી રૂપાણી આ અંગે હકારાત્મક છે. આ કમિટિએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. જેથી પ્રવર્તમાન સંજાેગોમાં તબીબો જે રીતે સેવા આપી રહ્યાં છે તે રીતે ચાલુ રાખે. અમારો આ પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થયો છે. પરંતુ સીએમ રૂપાણીએ આ અંગેનાં સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે અને આ અંગે વહેલી તકે સમાધાન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.