નલ સે જલ કાર્યક્રમથી ‘‘ડંકી મુકત’’ ગુજરાતની નેમ સાકાર કરવી છે:મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જામનગર મહાપાલિકાના રૂ. ૧પપ કરોડના વિકાસ કામોના પ્રજાપર્ણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા –ધ્રોલ નગર સેવા સદનનો ઇ-લોકાર્પણ કર્યો
જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી –જન અપેક્ષા પૂર્ણ કરવા નગરો-મહાનગરોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આહવાન –જામનગર શહેરમાં ઓવરબ્રીજ માટે રૂ. ૧પપ કરોડ મંજૂર કરતા શ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જનહિત યોજના નલ સે જલ અન્વયે ગુજરાત ૭૫ ટકા લોકોને ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડીને દેશભરમાં આ યોજનામાં અગ્રેસર છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય કોઇપણ વ્યકિતને ફ્લોરાઇડ કે ક્ષારયુક્ત પાણી પીવું ના પડે તેવી નેમ સાથે ડંકી મુક્ત ગુજરાતનો કોલ આપ્યો હતો. શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર મહાનગરમાં ઇ.ડબલ્યુ.એસ આવાસ સહિત ડ્રેનેજ અને પાણીની પાઇપ નવી લાઇનના તથા ઐતિહાસિક ભુજીયા કોઠા નવીનીકરણના કુલ રૂ. ૧૫૫ કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ભૂમિપૂજન ગાંધીનગરથી કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુની ઉપસ્થિતિમાં કર્યા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, માનવીની પાયાની મૂળભૂત જરૂરિયાત રોટી, કપડા, મકાનની હોય છે. પોતીકું મકાન-આવાસ એ દરેક વ્યકિતનું સપનું હોય અને તેને પાર પાડવા વ્યકિત જીવનભર મૂડી બચાવતો હોય છે.
ગુજરાતમાં ગરીબમાં ગરીબ માનવીનું પણ ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના, EWS આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનાએ બહુધા લાભાર્થીઓને પાકા, સુવિધાવાળા, લીફટ-પાણી-લાઇટ-આંગણવાડીની સગવડવાળા મકાનો-આવાસ સંકુલ આપ્યા છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં હાઉસીંગ બોર્ડ સહિતના વિવિધ યોજનામાં બનતા મકાનો ગુણવત્તા વગરના અને તૂરત પડી જાય તેવા તકલાદી હતા. આપણે ગુણવત્તાયુકત અને બધી જ પ્રાથમિક સુવિધાઓ સાથેના આવાસો પૂરાં પાડયા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ નગરો-મહાનગરો સહિતના પ્રજાજનો-લોકોની આશા અપેક્ષા પૂર્ણ થાય તે માટે જ્યાં માનવી ત્યાં સુવિધાનો મંત્ર અપનાવી લઘુત્તમ સાધનોનો જનહિતમાં મહત્તમ ઉપયોગ કરવાની પણ શીખ આપી હતી.
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના તમામ લોકોને સરફેસ વોટર મળે-શુદ્ધ પાણી મળે તે માટે નલ સે જલ કાર્યક્રમ શરૂ કર્યો છે તેની ભૂમિકા આપી હતી.
ગુજરાતે આ નલ સે જલમાં પણ અગ્રેસર રહીને માતાઓ-બહેનોને પાણી સિંચવા જવું પડે-માથે બેડાં ઉચકવા પડે તેવી સ્થિતી નિવારવાની પ્રતિબદ્ધતા દાખવી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જામનગર મહાનગરને એક મહત્વપૂર્ણ ભેટ આપતા જામનગરના સુભાષબ્રિજના સાત રસ્તા પરના ઓવરબ્રિજ માટે ૧૫૫ કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી મંજુર કરવાની જાહેરાત કરી હતી અને તેના કામો સત્વરે શરૂ કરીને નગરના વિકાસની ધોરી નસ સમાન આ પ્રોજેક્ટથી જામનગરને આધુનિક ભવ્ય અને વિકાસશીલ મહાનગર બનાવવા આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના આ કાળમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધતી રહી છે અને જન સહયોગથી કોરોના સામેની સતર્કતા સાથે ‘‘હારશે કોરોના જીતશે ગુજરાત’’ના મંત્ર સાથે ગુજરાતના ખમીર અને ઝમીર ઝળક્યા છે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ધ્રોલ નગર સેવા સદનના નવનિર્મિત ભવનનો પણ લોકાર્પણ વીડિયો કોન્ફરન્સ મારફતે ગાંધીનગરથી કર્યો હતો. આ અવસરે રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વેશ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રવિણભાઇ મૂછડિયા, સાંસદ પૂનમબહેન માડમ તેમજ મેયર શ્રી જેઠવા અને જામનગર મહાનગરના તેમજ ધ્રોલ તાલુકા તેમજ નગરના પદાધિકારીઓ પણ જામનગર અને ધ્રોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.