Western Times News

Gujarati News

નવજાત શિશુઓ માટે વિનામૂલ્યે બેબી કીટ આપવામાં આપે છે, ભાભર પ્રેરિત મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ

ભાભર મુકામે મિશન વસ્ત્રમ પ્રોજેક્ટનો શુભારંભ-સાયબર ક્રાઈમના ગુન્હાઓ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે માતા- બહેન, દિકરીઓને સતર્ક રહેવા રાષ્ટ્રીય મહિલા આયોગનો અનુરોધ

(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના ભાભર મુકામે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા. રાજુલબેન દેસાઈના હસ્તે માનવતા ગ્રુપ ભાભર પ્રેરિત મિશન વસ્ત્રમ પ્રોજેક્ટનો શુભારંભ થયો હતો.

આ પ્રોજેકટ અંતર્ગત સુઈગામ અને ભાભર તાલુકાના તમામ સરકારી દવાખાનાઓમાં જન્મ લેતા નવજાત શિશુઓને જન્મ સમયે માનતા ગ્રુપ ભાભર દ્વારા વિનામૂલ્યે બેબી કીટ આપવામાં આવશે. જેમાં નવજાત શિશુને રૂમાલ, લંગોટ, ઝબલુ, હાથ-પગના મોજા, સાબુ વગેરે સાથેની સ્પેશિયલ કીટ અપાશે.

આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા.રાજુલબેન દેસાઈએ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટના પ્રણેતા રશ્મિબેન હાડા અને માનવતા ગ્રુપ ભાભરને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, નવી પેઢી સંવેદનશીલ બનીને લોકસેવા અને રાષ્ટ્રસેવા માટે સમર્પિત ભાવથી કામ કરે છે તેને બિરદાવી અભિનંદન પાઠવું છું.

તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માતાઓ, બહેનો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. દેશની કરોડો બહેનોને ગેસ કનેકશન આપી ચૂલા ફૂંકવા અને બિમારીઓમાંથી મુક્તિ અપાવી છે ત્યારે આપણે પણ તેમાંથી પ્રેરણા લઇ સમાજના વિકાસ અને રાષ્ટ્ર સેવા માટેના કામો કરીએ.

તેમણે કહ્યું કે આપણી મહાન ભારતીય સંસ્કૃતિ ચકલાને ચણ…. ભુખ્યાને અન્ન…અને વસ્ત્રદાનમાં માને છે ત્યારે નેચરલ બેલેન્સ જાળવવા આપણે પણ એવા કાર્યો કરવા જાેઈએ. તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે હું જયારે કોલેજમાં પ્રોફેસર હતી તે સમયે દિકરીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ આપી યથાશક્તિ મદદરૂપ બનતી હતી.

જેના આશીર્વાદરૂપે આજે રાષ્ટ્રીય મહિલા આયોગમાં કામ કરવાની તક મળી છે.ર્ડા. રાજુલબેન દેસાઈએ કહ્યું કે સાયબર ક્રાઈમના ગુન્હાઓ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે તેનાથી સતર્ક રહેવા અને માતા-બહેન, દિકરીઓએ અજાણ્યા માણસો જાેડે મોબાઈલ પર વાત કરવાનું ટાળવું જાેઈએ તથા મા-બાપે બાળકોના મોબાઇલ સમયાંતરે ચેક કરતા રહેવું જાેઈએ.

આ પ્રસંગે રશ્મિબેન હાડાના પિતાશ્રી અહેમદ હાડાએ મિશન વસ્ત્રમ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, મા અંબાની કૃપાથી દાંતા અમીરગઢ તાલુકામાં શરૂ થયેલો મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ આજે મા નડેશ્વરીના ધામ સૂઇગામ અને ભાભર તાલુકા સુધી પહોંચ્યો છે એનો અનહદ આનંદ છે.

આ પ્રસંગે શ્રી લાખાભાઈ દેસાઈએ માનવતા ગ્રુપ ભાભરની વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ વિશે સુંદર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અગ્રણીઓ ડો. ભીખાભાઈ પ્રજાપતિ, આશાબેન પટેલ, મામલતદારશ્રી અખાણી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ વ્યાસ અને ડો. અલ્પેશ છત્રાલિયા સહિત અધિકારીઓ-પદાધિકાઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.