નવજાેત સિંહ સિદ્ધુએ દેશના પ્રથમ વડાપ્રધાન સાથે શેર કર્યો પિતાનો ફોટો
ચંડીગઢ: પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ તેમના પર ભરોસો મૂકવા બદલ કોંગ્રેસ હાઈકમાનનો આભાર વ્યક્ત કર્યો છે. સિદ્ધુએ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની સાથે તેમના પિતાનો એક ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર લખ્યું કે મારા પિતા પણ એક કોંગ્રેસી હતા. પંજાબમાં કોંગ્રેસના અજેય કિલ્લાને વધુ મજબૂત કરવા માટે દરેક કાર્યકરની સાથે કામ કરીશ.
નવજાેત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને કહ્યું કે ‘સમૃદ્ધિ, વિશેષાધિકાર અને સ્વતંત્રતાને માત્ર થોડા સાથે નહીં પરંતુ બધા સાથે શેર કરનારા મારા પિતા એક કોંગ્રેસ કાર્યકર શાહી પરિવારને છોડીને આઝાદીની લડતમાં સામેલ થયા હતા. દેશભક્તિ માટે તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ કિંગ્સ એમનેસ્ટીથી રાહત મળ્યા બાદ તેઓ ડીસીસીના અધ્યક્ષ, વિધાયક, એમએલસી અને એડવોકેટ જનરલ બન્યા.’
સિદ્ધુએ અન્ય ટ્વીટમાં લખ્યું કે આજે તે જ સપનાને પૂરું કરવા માટે આગળ કામ કરવા, પંજાબ કોંગ્રેસના અજેય કિલ્લાને મજબૂત કરવા માટે, મારા પર વિશ્વાસ રાખવા અને મને આ મહત્વપૂર્ણ જવાબદારી આપવા બદલ હું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભારી છું.
તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે જીતેગા પંજાબના મિશનને પૂરું કરવા માટે પંજાબમાં કોંગ્રેસ પરિવારના દરેક સભ્યની સાથે મળીને કામ કરીશ. એક વિનમ્ર કોંગ્રેસ કાર્યકર તરીકે પંજાબ મોડલ ને હાઈ કમાન્ડના ૧૮ સૂત્રીય એજન્ડાના માધ્યમથી લોકોને તેમની શક્તિ પાછી આપવા માટે મારી મુસાફરી હજુ શરૂ થઈ છે. અત્રે જણાવવાનું કે નવજાેત સિંહ સિદ્ધુને રવિવારે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ચાર અન્ય કાર્યકારી અધ્યક્ષ પણ પસંદ કરવામાં આવ્યા. જેમાં સંગત સિંહ, સુખવિન્દ સિંહ ડૈની, પવન ગોયલ અને કુલજીત સિંહ નાગરા સામેલ છે.