નવજોતસિંહ સિદ્ધુને પાકિસ્તાન જવા મંજૂરી
દિલ્હી, કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પાસેથી મંજૂરી મળી ગઈ છે. તેમણે વિદેશ મંત્રાલયને ત્રીજીવાર પત્ર લખી મંજૂરી માંગી હતી. આ પહેલા તેઓએ એસ જયશંકર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર પાસે પરવાનગી માંગી હતી. સિદ્ધુએ પત્રમાં લખ્યું હતું, વારંવાર રિમાઇન્ડર આપવા છતાં પણ મને ઉદ્ઘાટન સમારોહમાં જવાની મંજૂરી છે કે નહિ? પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તરફથી નવજોતસિંહ સિદ્ધુને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કરતારપૂર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે નવજોતસિંહ સિદ્ધુએ બંને નેતાઓને ફરીથી ચિઠ્ઠી લખી હતી. સિદ્ધુ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોર ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે ઈચ્છે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.કોરિડોરના ઉદ્ઘાટન બાદ ગુરુદ્વારા શ્રીકરતારપુર ગુરુદ્વારા સાહિબના દર્શન માટે પહેલો જથ્થો રવાના થશે. પહેલા જથ્થામાં 670 શ્રદ્ધાળુઓ સામેલ હશે. પહેલા જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ,પંજાબના મુખ્યમંત્રી કપ્તાન અમરિન્દર સિંહ સહિતના ધારાસભ્યો અને મંત્રીઓ જશે.
નવજોતસિંહ સિદ્ધુએ વિદેશમંત્રી એસ જયશંકરને લખેલા ત્રીજા પત્રમાં લખ્યું હતું, જો તેમને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે સરકાર તરફથી પરવાનગી નથી મળતી તો તેઓ સામાન્ય નાગરિકની જેમ નહિ જાય. પરંતુ જો અંગે તેમનો કોઈ જવાબ નથી આવતો તો તેઓ પાકિસ્તાન ચાલ્યા જશે.