નવનિયુક્ત અધ્યાપક સહાયકોને કોલેજ ફાળવણી પત્રક શિક્ષણ રાજ્યમંત્રીના હસ્તે એનાયત
રાજ્યની વિવિધ બી.એડ. અને લૉ કોલેજ માટે પસંદગી પામેલા ઉમેદવારોને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે કોલેજ ફાળવણી પત્રક અપાયા હતા.અમદાવાદ ખાતે નોલેજ કોંસોર્ટિયમ ઓફ ગુજરાતનાં સભાગૃહમાં રાજ્યની વિવિધ૨૧લૉ. કોલેજને ૪૪સહાયક અધ્યાપક તથા રાજ્યની ૩૧ બી.એડ.કોલેજ ને કુલ ૭૪ અધ્યાપકો ફાળવાયા છે.
આ તકે શિક્ષણરાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ વકીલ અને શિક્ષક તૈયાર કરતી શૈક્ષણિક સંસ્થાનોને અધ્યાપકો મળ્યા તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ ઉમેદવારોની સફળતા અને બિરદાવતા કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપે એવા વકીલો અને શિક્ષકો તૈયાર કરવાની જવાબદારી હવે આપ સૌ અધ્યાપકો પર છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપ સૌની માત્ર મેરીટ આધારે પસંદગી થઇ છે ત્યારે શિક્ષણ-કાર્યમાં પણ ગુણવત્તા ઉંચા ધોરણો હરહંમેશ જળવાઇ રહે અને આપના હાથ નીચેથી પસાર થતા તમામ વિદ્યાર્થીઓ અપના જેવાજ મેરિટ પ્રાપ્ત કરે તે આવશ્યક છે. મંત્રીશ્રીએ અંતમાં નવનિયુક્ત અધ્યાપકોને જણાવ્યું કે,આપ સફળ થયા છો આ સફળતાને તાળીઓથી વધારવા અગણિત હાથો આગળ આવ્યા હશે પરંતુ નિષ્ફળતા વખતે આંસુ લૂછવા આવેલી એક આંગળી ને ભૂલતા નહિ.
આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, ઉચ્ચ શિક્ષણ કમિશનર એલ. પી.પાડલીયા, સંયુક્ત શિક્ષણ નિયામક ડૉ. એન. જી. ભટ્ટ, નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સલાહકાર એ. યુ. પટેલ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા, આઇ.આઇ.ટી.ઇ. ના વાઇસ ચાન્સેલર શ્રી હર્ષદ પટેલ તથા સફળ અધ્યાપક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.