નવનિર્મિત ચાંદલોડિયા સ્ટેશન સહિત અનેક રેલ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના માનનીય સાંસદ શ્રી અમિત શાહના હસ્તે નવનિર્મિત ચાંદલોડિયા સ્ટેશન સહિત વિવિધ યાત્રી સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે
અમદાવાદ ડિવિઝન પર ₹ 1.2 કરોડના ખર્ચે નવનિર્મિત ચાંદલોડિયા સ્ટેશન ભવન, પ્લેટફોર્મ, કવર શેડ, બુકિંગ કાઉન્ટરો અને પીવાનું પાણી તથા શૌચાલય જેવી પાયાની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્ટેશનના નિર્માણ સાથે અમદાવાદ એરિયામાં રેલ્વે ટ્રાફિક ઓછો થશે અને વિરમગામથી આવતી ટ્રેન અમદાવાદ અને સાબરમતી નહીં આવીને સીધી જ ચાંદલોડિયાથી પાલનપુર જઇ શકશે.
જેથી મુસાફરોનો સમય બચશે. અમદાવાદના નવિનીકરણ થયેલ મુખ્ય સ્ટેશન ભવન સહિત, ફુટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ નંબર 1 અને 8 નું રીનોવેશન, કાનકાર્સ હૉલ, સર્ક્યુલેટિંગ એરિયા સહિત કુલ ₹ 17.3 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ મુસાફરોની સુવિધાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સ્ટેશન બિલ્ડિંગ હેરિટેજ થીમ પર વિકસાવવામાં આવી છે તથા આકર્ષક લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સર્ક્યુલેટિંગ એરિયામાં ગ્રીનરી કરવામાં આવી છે અને તેમાં સુધારો કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ નંબર 1 અને 8 પર સીસી એપ્રિન બનાવવામાં આવ્યો છે.
આંબલી રોડ સ્ટેશન પર ₹ 2.35 કરોડના ખર્ચે યાત્રી સુવિધાઓ જેવી કે પ્લેટફોર્મ નંબર 1 થી 3 ને 24 કોચ ટ્રેન મુજબ બનાવવામાં આવ્યા છે તદુપરાંત કવર શેડ, ફુટ ઓવર બ્રિજ જેવી નવનિર્મિત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ખોડિયાર સ્ટેશન પર ₹ 2.24 કરોડના ખર્ચે વિકાસના કાર્ય કરવામાં આવ્યા છે,
જેમાં 24 કોચ ટ્રેન મુજબ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. પીવાના પાણીની વ્યવસ્થા સહિત ટોઇલેટ બ્લોક પણ બનાવવામાં આવ્યા છે, સાથે સ્ટેશન પર ₹ 3.57 કરોડના ખર્ચે યાત્રી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. જેમાં પ્લેટફોર્મ વિસ્તરણ, સર્ક્યુલેટિંગ એરિયામાં સુધારો, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા માટેના વોટર પોઇન્ટ, મુસાફરો માટે શૌચાલયો અને આરામદાયક બેંચ લગાવવામાં આવ્યા છે. આ સ્ટેશનો પર યાત્રી સુવિધાના વિકાસથી મુસાફરોને લાભ થશે.