Western Times News

Gujarati News

નવમા નોરતે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરીએ

સિદ્ધગંધર્વયક્ષા ઘૈરસુરૈરમરૈરપિ,  સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની..

દેવી સિદ્ધિદાત્રી કે જેમની સિદ્ધ ગંધર્વ યક્ષ દેવતાઓ વગેરે દ્વારા પૂજા કરવામાં આવે છે,જેમના હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ છે,જે તમામ સિદ્ધિઓની દાતા ર્માં સિદ્ધિદાત્રી મને શુભતા એટલે કે કલ્યાણ પ્રદાન કરો.

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના નવમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં સિદ્ધદાત્રીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. દુનિયાને છોડીને પરમધામ પ્રયાણ કરતાં પહેલાં સંસારમાં પોતાના સંતાનોને સિદ્ધિ એટલે કે તમામ સુખ-સંપદાનો આર્શિવાદ આપનારી દરેક સ્ત્રી સિદ્ધિદાત્રી બની જાય છે.

ર્માં દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે.તે તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી દેવી છે. માર્કણ્ડેયપુરાણ અનુસાર અણિમા(સૂક્ષ્મરૂપ ધારણ કરી શકાય છે), મહિમા(વિશાળરૂપ ધારણ કરી શકાય છે), ગરિમા(એક વિશાળ પર્વતની જેમ બની શકાય, લધિમા(પોતાનું વજન હળવું કરી શકાય,એક ક્ષણમાં ગમે ત્યાં જઇ શકે), પ્રાપ્તિ (કોઇપણ વસ્તુ તુરંત પ્રાપ્ત કરી શકાય,પશુ-પક્ષીની ભાષા સમજી શકાય અને આવનાર સમયને જોઇ શકે), પ્રાકામ્ય(પૃથ્વીના ઉંડાણમાં નીચે સુધી જઇ શકાય,આકાશમાં ઉંડી શકે,જ્યાં સુધી ઇચ્છે ત્યાંસુધી પાણીમાં રહી શકાય,

સદાય યુવાન રહેવાય,કોઇપણ શરીર ધારણ કરી શકે અને લાંબા સમય સુધી કોઇપણ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે), ઇશિત્વ(દૈવીશક્તિઓની પ્રાપ્તિ થાય,મૃતજીવને જીવિત કરી શકાય) અને વશિત્વ(જીતેન્દ્રિય અને મનને નિયંત્રિત કરી શકાય) આ આઠ સિદ્ધિઓ છે.

બ્રહ્મવૈવર્ત્તપુરાણના શ્રીકૃષ્ણજન્મ ખંડમાં સિદ્ધિઓની સંખ્યા અઢાર બતાવવામાં આવી છે.જેના નામ છેઃ અણિમા, લધિમા,પ્રાપ્તિ, પ્રાકામ્ય,મહિમા, ઇશિત્વ-વશિત્વ, સર્વકામાવસાયિતા, સર્વજ્ઞત્વ, દૂરશ્રવણ, પરકાયા પ્રવેશન, વાક્‌ સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારકરણસામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના અને સિદ્ધિ..

ર્માં સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ તમામ સિદ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે. દેવી ભાગવત પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં ભગવાન શિવે સૃષ્ટિની રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી હતી.આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ્યા.આમ ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રી..

ર્માં સિદ્ધિદાત્રીને ચાર હાથ છે.તેમના જમણી બાજુના ઉપર તરફના હાથમાં ગદા અને નીચે તરફના હાથમાં ચક્ર છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં કમળનું પુષ્પ અને નીચે તરફના હાથમાં શંખ છે.તેમનું વાહન સિંહ છે.તે કમળ-પુષ્પ ઉપર આસિન છે.

નવરાત્રી પૂજનના નવમા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂર્ણ નિષ્ઠાથી સાધના કરનાર સાધકને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્તિ થાય છે.સૃષ્ટિમાં કશું જ તેમના માટે અગમ્ય રહેતું નથી.

સમગ્ર બ્રહ્માંડ ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમનામાં આવી જાય છે.
પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તેમને ર્માં સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરંતર આરાધના કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.તેમની કૃપાથી અત્યંત દુઃખરૂપ સંસારથી નિર્લિપ્ત રહીને તમામ સુખોનો ભોગ કરતાં કરતાં મોક્ષને પ્રાપ્ત કરે છે.

નવદુર્ગાઓમાં ર્માં સિદ્ધિદાત્રી અંતિમ છે.અન્ય આઠ દુર્ગાઓની પૂજા-ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનથી કરીને ભક્તો દૂર્ગાપૂજાના નવમા દિવસે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે.ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી લૌકિક અને પારલૌકિક તમામ પ્રકારની કામનાઓની પૂર્તિ થાય છે આમ હોવા છતાં સિદ્ધિદાત્રી ર્માં ના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઇ એવી કામના શેષ રહેતી નથી

જેને તે પૂર્ણ કરવા ઇચ્છતા હોય.તે તમામ સાંસારીક ઇચ્છાઓ-આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઉઠીને માનસિકરૂપથી ર્માં ભગવતીના દિવ્યલોકોમાં વિચરણ કરતાં કરતાં ર્માં ની કૃપા-રસ-પિયૂષનું નિરંતર પાન કરીને વિષયભોગ-શૂન્ય બની જાય છે.ર્માં ભગવતીનું પરમ સાનિધ્ય જ તેમના માટે સર્વસ્વ હોય છે.આ પરમપદને પ્રાપ્ત કર્યા બાદ તેમને અન્ય કોઇ વસ્તુની આવશ્યકતા રહેતી નથી.

ર્માં ભગવતીના ચરણોનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે અમારે નિરંતર નિયમનિષ્ઠ રહીને ઉપાસના કરવી જોઇએ.ર્માં ભગવતીનું સ્મરણ-ધ્યાન અને પૂજન અમોને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃતપદની તરફ લઇ જાય છે. નવરાત્રિના નવમા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપવાથી મૃત્યુના ડરથી રાહત મળે છે અને દુર્ઘટનાઓથી બચી જવાય છે.આલેખનઃ વિનોદભાઇ માછી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.