Western Times News

Gujarati News

નવરંગપુરાના વહેપારી સાથે રૂ.૪.૯૪ કરોડની છેતરપીંડી

શીપીંગ કંપનીને ચુકવવા માટે આપેલા નાણાં મુંબઈના વહેપારીઓએ નહીં ચુકવતા સમગ્ર ભાંડો ફુટ્યોઃ એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર વિરૂધ્ધ પોલીસે શરૂ કરેલી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં નોટબંધી બાદ છેતરપીંડીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે તેમાય ખાસ કરીને વહેપારીઓ સાથે માલ ખરીદયા બાદ રૂપિયા પરત નહીં આપી અન્ય વહેપારીઓ દ્વારા છેતરપીંડી આચરવામાં આવી રહી છે. ગુજરાત બહારના વહેપારીઓ દ્વારા ગુજરાતના વહેપારીઓ સાથે છેતરપીંડી કરવામાં આવતા કેટલાક મહાજનોએ ઉધારમાં માલ નહી આપવા નિર્ણય કર્યો છે.

આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કાપડની આયાત નિકાસ કરતા એક વહેપારીએ મુંબઈના એક વહેપારી સામે રૂપિયા ૪ કરોડ ઉપરાંતની છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આરોપીએ શીપીંગ કંપનીને રૂપિયા ચુકવવાના બદલે પોતાની પાસે રાખી લીધા હતા અને કંપનીએ અમદાવાદના વહેપારી પાસે ઉઘરાણી કરતા સમગ્ર ભાંડો ફુટયો હતો નવરંગપુરા પોલીસે આ અંગે મુંબઈ પોલીસનો સંપર્ક સાંધી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે મુળ મહેસાણાના અને હાલ અમદાવાદમાં રહી કપડાની આયાત નિકાસનો ધંધો કરતા અશ્વિનભાઈ અશોકભાઈ પટેલ હાલમાં લો ગાર્ડન ફલેટ નવરંગપુરા ખાતે રહે છે અને તેમની ઓફિસ સી.જી.રોડની પાછળ આવેલા નિકુંભ કોમ્પલેક્ષમાં એ,બી,સી કોટન સ્પ્રીગ નામની કંપની આવેલી છે તેઓ ઘણા વર્ષોથી વિદેશમાં કાપડની આયાત નિકાસ કરે છે.

કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરતા હોવાથી ભારત દેશના અન્ય આવા વહેપારીઓ સાથે પણ તેમને ઓળખાણ થયેલી છે. આ દરમિયાનમાં તેઓ અવારનવાર ચાઈના સહિત અનેક દેશોમાં કાપડનો જથ્થો મોકલતા હતાં આ માટે તેઓ યુનાઈટેડ આરબ શીપીંગ કંપની મારફતે માલનું પરિવહન કરાવતા હતાં.

શીપીંગ કંપની મારફતે અશ્વિનભાઈ પટેલ મોટી રકમનો માલ આયાત નિકાસ કરતા હોવાથી તેઓ આ લાઈનના અન્ય વહેપારીઓ સાથે પણ સંપર્કમાં આવ્યા હતાં મુંબઈમાં રહેતા તથા માલ બહારથી મંગાવવા તથા મોકલવા માટેની કાર્યવાહીના જાણકાર એવા વિશાલ પંકજભાઈ મહેતા તથા તેમના પિતા પંકજભાઈ મહેતા, કાજલ વિશાલ મહેતા અને વિજયતા સુર્વણા નામના ચાર વ્યક્તિો  સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા અને આ ચારેય વૃષભ શીલીંગ કંપની ચલાવી રહયા છે.

અશ્વિનભાઈ પટેલે તાજેતરમાં જ કાપડનો મોટો જથ્થો ચીન મોકલવાનો હતો અને આ માટે તૈયારી પણ તેઓએ કરી લીધી હતી તેમણે આ જથ્થો યુનાઈટેડ આરબ શીપીંગ કંપની મારફતે મોકલવાનો હતો અને થોડા સમય પહેલા આ જથ્થો તેમણે મોકલી આપ્યો હતો પરંતુ કોઈ કારણોસર આ જથ્થો શીપીંગ કંપનીના ગોડાઉનમાં પડયો રહયો હતો માલ પડયો રહે તો શીપીંગ કંપનીઓ તેનો ચાર્જ વસુલ કરતી હોય છે દિવસો વિતવા છતાં આ માલ નહી મોકલાતા તેનો ચાર્જ વધવા લાગ્યો હતો અને એક તબક્કે કુલ ૧૧ કરોડ ઉપરાંતની રકમ ચુકવવાની થતી હતી.

જેના પગલે અશ્વિનભાઈ પટેલે કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાનમાં રૂષભ શીલીંગ કંપનીના વિશાલ મહેતાએ તેમનો સંપર્ક સાધ્યો હતો. મુંબઈમાં રહેતા વિશાલભાઈએ અશ્વિનભાઈ સાથે વાતચીત કરી જણાવ્યું હતું કે યુનાઈટેડ આરબી શીપીંગ કંપની સાથે તેમને સારો સંબંધ છે અને તેઓ સેટલમેન્ટ કરાવી આપશે જેના પરિણામે અશ્વિનભાઈને વિશ્વાસ બેઠો હતો.

ત્યારબાદ શીપીંગ કંપનીના માલિકો સાથે બેઠક પણ કરાવી હતી. બેઠકમાં કુલ રૂ.૧૮ કરોડની ચુકવણી કરવાની નીકળી હતી પરંતુ આ બેઠકમાં કંપનીએ અશ્વિનભાઈને સેટલમેન્ટ રૂપે રૂ.૧૧ કરોડની રકમ ચુકવવાનું નકકી કર્યું હતું જે ઓફર અશ્વિનભાઈએ સ્વીકારી હતી.

સેટલેન્ટના ભાગરૂપે નકકી થયેલી રૂ.૧૧.પ૬ કરોડની રકમ ચુકવવાની શરૂઆત પણ અશ્વિનભાઈએ શરૂ કરી દીધી હતી અને આ સેટલમેન્ટના ભાગરૂપે વિશાલ મહેતાને રૂ.ર૬ લાખનું કમીશન આપવાનું પણ નકકી થયું હતું. આ રકમ તેમણે પહેલા ચુકવી દીધી હતી અને ત્યારબાદ રૂ.૧૧.૮ર કરોડની રકમ તેમણે વિશાલ મહેતાને મોકલી આપી હતી. વિશાલ મહેતાએ આ રકમમાંથી ૭ કરોડ જેટલી રકમ શીપીંગ કંપનીને ચુકવી હતી જયારે ૪.૯૪ કરોડની રકમ ચુકવી ન હતી જેના પરિણામે પ્રારંભમાં શીપીંગ કંપનીએ વિશાલ મહેતા પાસે ઉઘરાણી કરી હતી.

પરંતુ તેણે વાયદા બતાવતા આખરે યુનાઈટેડ આરબી  શીપીંગ કંપનીના આગેવાનોએ અશ્વિનભાઈ પટેલ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા તેઓ ચોંકી ઉઠયા હતા તેમણે જણાવ્યું હતું કે પુરેપુરી રકમ વિશાલ મહેતાને આપી દીધી છે ત્યારે કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હજુ તેમાં ૪.૯૪ કરોડની રકમ ચુકવવાની બાકી છે.

શીપીંગ કંપનીએ ઉઘરાણી કરતા અશ્વિનભાઈ પટેલે તાત્કાલિક વિશાલ મહેતાને આ અંગે પુછતા તેઓએ ગલ્લાતલ્લા કર્યાં હતા અને કહ્યુ હતું કે પછી રકમ ચુકવી દઈશ જેના પરિણામે સ્પષ્ટ બની ગયું હતું કે વિશાલ મહેતાએ અશ્વિનભાઈ સાથે રૂ.૪.૯૪ કરોડની છેતરપીંડી આચરી છે.

અનેક વખત આ રકમની ઉઘરાણી કરવા છતાં તેઓ ચુકવતા ન હતા. જેના પરિણામે આખરે અશ્વિનભાઈએ આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રૂષભ કંપનીના મુંબઈના ચારેય ડીરેકટરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે આટલી મોટી રકમની છેતરપીંડીથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.