નવરંગપુરામાં પુત્ર અને પુત્રવધૂએ વૃધ્ધ જનેતાને મારતાં પાડોશીઓએ છોડાવી
ઘરમાંથી કાઢી મુકતા આખરે વૃધ્ધાએ પોલીસની મદદ માંગી
અમદાવાદ: નવરંગપુરામા આવેલી એક સરકારી વસાહતમાં રહેતી વૃધ્ધાએ બીમારીની દવા માંગતા તેની પુત્રવધુએ ગડદાપાટુનો માર માર્યો હતો. વૃધ્ધાએ રાત બહાર વિતાવી ઘરે પરત ફરી તો પુત્રવધુ સાથે તેમનો પુત્ર પણ ઉશ્કેરાઈ ગયો હતો અને માતાને ઢોર માર મારી બિભત્સ ગાળો બોલી હતી. છેવટે પાડોશીઓ વચ્ચે પડીને વૃધ્ધાને છોડાવ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે શાંતાબેન ગણપતભાઈ દંતાણીયા મ્યુનિસિપલ સરકારી કવાટ્ર્સ, આઈડીબીઆઈ બેંક સામે, નવરંગપુરા ખાતે રહે છે. ૬પ વર્ષીય શાંતાબેન સાથે તેમનો પુત્ર જગદીશ તથા પુત્રવધુ કર્મીતા રહે છે. શાંતાબેન પોતે લો ગાર્ડન આગળ મકાઈની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. ગુરૂવારે સવારે દસ વાગ્યાની આસપાસ શાંતાબેનને ખેંચ આવતા તેમણે પુત્રવધુ કર્મિતા પાસે દવા માંગી હતી. પરંતુ કર્મીતાએ દવા આપવાના બદલે તેમનાં માથાના વાળ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી શાંતાબેન મોટી દીકરી રૂપાબેનના ઘરે જ્યોતિ એપાર્ટમેન્ટ, માનવ મંદિર ખાતે ગયા હતા.
જ્યાં રાત રોકાઈને સવારે ઘરે પરત ફરતાં કર્મિતાબેને કેમ કોઈએ ના રાખ્યા ? શું કામ આવ્યા ? આ તમારૂં ઘર નથી. અહીંયાથી જતાં રહો કહી ફરી ઝઘો શરૂ કર્યો હતો. જેનો શાંતાબેને વિરોધ કરતાં કર્મિતાબેનની સાથે જગદીશ પણ ઉશ્કેરાયો હતો. અને ગુસ્સામાં આવી બન્નેએ ફરી તેમનાં માથાના વાળ પકડીને ગડદાપાટુનો માર મારીને ગાળો બોલી હતી. સગી જનતાને મારતા પુત્ર અને પુત્રવધુને જાેઈને આસપાસનાં રહીશો એકત્ર થઈ ગયા હતા. અને વૃધ્ધા શાંતાબેનને માંડ છોડાવ્યા હતા. આ ઘટનાથી ડઘાઈ ગયેલા શાંતાબેન પોતાની ત્રણ દીકરીઓ સાથે નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પુત્ર તથા પુત્રવધુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.