નવરંગપુરામાં શેર દલાલની રૂ.૬ લાખ ભરેલી બેગની ઉઠાંતરી
કારનો એકસીડન્ટ થયો હોવાના બહાને શેરદલાલને કારમાંથી
|
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં કાર લઈને પસાર થઈ રહેલા એક યુવકને બાઈક પર આવેલા બે શખ્સોએ અટકાવી તે એકસીડન્ટ કર્યો હોવાનો આક્ષેપ કરી તેની કારમાંથી નજર ચુકવી રોકડ રૂ.૬ લાખ ભરેલી બેગની તફડંચી કરી ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે કારની સીટ પરથી બેગ ગાયબ જણાતા જ યુવકે બુમાબુમ કરતા જ લોકો એકત્ર થઈ ગયા હતા અને બાઈક પર ભાગી છુટેલા શખ્સોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ યુવક શેરબજારમાં ટ્રેડિંગનો વ્યવસાય કરે છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના બોડકદેવ વિસ્તારમાં જજીંગબગલા ચાર રસ્તા પાસે વાઈસરોય વીલા એપાર્ટમેન્ટમાં રહેતા મિલન જયપ્રકાશ દોશી નામનો યુવક શેરબજારમાં ટ્રેડિંગનો ધંધો કરે છે તેની સેટેલાઈટ વિસ્તારમાં કોર્પોરેટ હોલ વોડાફોન હાઉસની સામે ટાઈટેનીયમ હાઈટસમાં ઓફિસ આવેલી છે ગઈકાલે સાંજના ૬ વાગ્યાની આસપાસ નિત્યક્રમ મુજબ તે પોતાની ઓફિસમાંથી બેગ લઈને ઈનોવા કાર સાથે ઘરે જવા નીકળ્યો હતો.
મિલન દોશી ઓફિસેથી સીધો જ સી.જી.રોડ પર સુપરમોલ ખાતે આવેલ આંગડિયાની ઓફિસમાં ગયો હતો અને ત્યાંથી તેણે રોકડ રૂ.૬ લાખનું આંગડિયુ લીધુ હતું આંગડિયા પેઢીમાંથી લીધેલા રૂ.ર હજારના દરની ૩૦૦ ચલણી નોટો બેગમાં મુકી હતી આમ કારમાં રૂ.૬ લાખ રોકડા ભરેલી બેગ લઈ મિલનભાઈ દોશી ઘરે જવા નીકળ્યા હતાં.
મિલનભાઈ કાર લઈને ઈસ્કોન આર્કેટ જવા નીકળેલા અને સુપરમોલ પાસે વેલ ગલીમાં થઈ સમર્પણ ચાર રસ્તા થઈ આઈડીબીઆઈ બેંક સામે આવતા જ તેમની કાર સામે એક મોટર સાયકલ ચાલક આવ્યો હતો અને તેમને અટકાવ્યા હતાં પરંતુ તેમણે કાર ઉભી રાખી ન હતી આ દરમિયાનમાં બોડી લાઈન ચાર રસ્તા પાસે યુ ટર્ન લઈ આઈડીબીઆઈ બેંક આગળ તેઓ પહોંચ્યા ત્યારે આ મોટર સાયકલ ચાલકે તેમને આતર્યા હતા અને આગળના ભાગે ઉભુ રાખી દેતા તેમને બ્રેક મારવાની ફરજ પડી હતી.
આ સમયે બાઈક ચાલક નીચે ઉતરી તેમની પાસે આવ્યો હતો અને કારનો દરવાજા ખોલાવી જણાવ્યુ હતું કે પાછળ તમારી કારનો અકસ્માત થયેલો છે અને તેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને પણ અકસ્માત કરી પગના ભાગે ઈજા પહોચાડી હોવાથી લોહી નીકળે છે આ સમયે તેમણે જણાવ્યું હતું કે મારી કાર સાથે કોઈનો અકસ્માત થયો નથી પરંતુ આ શખસ માન્યો ન હતો ભારે રકઝક બાદ તેઓ કારમાંથી નીચે ઉતર્યા હતા.
આ દરમિયાન આ શખ્સ બાઈક લઈને મહિલાને પાછળ બેસાડી ભાગી ગયો હતો મિલન દોશીએ બુમો પાડવા છતાં બાઈક સવાર ઉભો રહયો ન હતો. બાઈક સવાર ભાગી છુટતા તેઓ પોતાની કારમાં પાછા બેઠા હતા આ સમયે બાજુની સીટ પર મુકેલી બેગ નહી જણાતા તેમણે બુમાબુમ કરી મુકી હતી અને તેઓએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાઈક જાવા મળી ન હતી ત્યારબાદ તેઓ પરત કિર્તી અંબાલાલ આંગડિયા પેઢી ખાતે પરત આવ્યા હતા અને બનાવની જાણ આંગડિયા પેઢીના સંચાલક નવીનભાઈને કરી હતી.
ત્યારબાદ વકીલની સલાહ લઈ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. રૂ.૬ લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીની ઘટનાથી નવરંગપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક આ અંગે તપાસ શરૂ કરી સીસીટીવી મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.