નવરંગપુરા : ઓર્ગેનિક ફુડ એક્સપોર્ટનાં ધંધાના નામે વેપારીનાં ૫૭ લાખ પડાવી લેતાં ફરીયાદ

પ્રતિકાત્મક
હિસાબ માંગતા બંને ઠગ ભાઈઓએ નકલી બેલેન્સ શીટ પકડાવી દીધી
અમદાવાદ: શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં પોતાની ઓફીસ ધરાવી કન્સ્ટ્રક્શન કેમીકલનો વ્યવસાય કરતાં એક વેપારીને ઓર્ગેનીક ફુડનાં એક્સપોર્ટનાં વ્યવસાયમાં રોકાણ કરાવીને એક ગઠીયા પરીવારે રૂપિયા ૫૭ લાખની છેતરપિંડી આચરી છે. ગઠીયાઓ પાસે કંપનીના હિસાબો માંગતા તેમણે વેપારીને ખોટી બેલેન્સ શીરો થમાવી દીધી હતી.
જાકે શંકાસ્પદ લાગતાં વેપારીએ તપાસ કરાવતાં તમામ કંપની અને હિસાબો ઠગારાં નીવડ્યા હતાં. વેપારી બાબુલાલ શેરમલ માલુ ઊસ્માનપુરા ખાતે રહે છે અને દિનેશ હોલની પાછળ પોતાની ઓફીસ ધરાવે છે. અવાર નવાર સમાજનાં ધાર્મિક કાર્યક્રમોમાં જતાં તેમને નિરજ કુમારપાળ શાહ (ગીરધરનગર સોસાયટી, શાહીબાગ)નો સંપર્ક થયો હતો. તેણે પોતે પરીવાર સાથે મળી ઓર્ગેનિક ફુડનો વેપાર કરતો હોવાનું જણાવ્યું હતું. અને રોકાણ સામે સારું વળતર મળવાની લાલચ આપી હતી.
નિરજની વાતોમાં આવી ગયેલાં બાબુલાલે ટુકડે ટુકડે રૂપિયા સત્તાવન લાખ તેની કંપનીમાં રોક્યા હતા. બાદમાં નિરજે તેમને હિસાબને નામે ઓડીટેડ બેલેન્સ શીટ આપી હતી. જા શંકા ઊપજતાં બાબુલાલે તેની તપાસ કરાવતાં બેલેન્સ શીટો ખોટી નીકળી હતી. ઊપરાંત નીરજ અને તેનો ભાઈ જૈનમ આવી કોઈ કંપની પણ ધરાવતાં ન હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર હકીકતની જાણ થતાં બાબુલાલે નિરજ અને જૈનમ પાસે રૂપિયા માંગતા ગલ્લાં તલ્લાં કરતાં બાબુલાલે બંને ભાઈઓ નિરજ, જૈનમ ઊપરાંત તેમની બહેન રૂપલ તથા માતા દેવીન્દ્ર વિરૂદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૫૭ લાખ રૂપિયા ખોટી રીતે મેળવી છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે.