૧૫ દિવસમાં રિનોવેશનનું કામ પુરું કરો નહીં તો તમને જેલમાં મોકલીશું: હાઈકોર્ટનો આદેશ
અમદાવાદ, મકાનનું સમારકામ અટકી પડતા બે પાડોશીઓ વચ્ચે થયેલો ઝઘડો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ હવે કોર્ટે એક માલિકને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે સંતાકૂકડી બહુ રમી હવે ૧૫ દિવસમાં સમારકામ પૂરું કરો નહીં તો જેલમાં જાવ.
કામ પૂર્ણ કરવાની કોર્ટમાં લેખિત બાંહેધરી આપવા છતાં સમારકામ ના કરીને કામને ટલ્લે ચઢાવતા પાડોશીને ૧૫ દિવસમાં કામ પૂર્ણ કરવાનો સમય આપ્યો છે. રિપોર્ટ્સ મુજબ લગભગ ૨૦ વર્ષ પહેલા શરુ કરેલું રિનોવેશનનું કામ હજુ પૂર્ણ ના થતા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ થઈ અને પછી મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો.
મળતી વિગતો પ્રમાણે આ અજબ કેસ કી ગજબ કહાની નવરંગપુરાની પલ્લવ રો-હાઉસ સોસાયટીનો છે કે જ્યાં બે રહીશોમાંથી એકે મકાનનું સમારકામ પૂર્ણ ના કરાવ્યું હોવાથી ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હતો.
પહેલામાળે રહેતા વ્યક્તિએ મકાનમાં તોડફોડ કર્યા બાદ તેનું કામ પૂર્ણ ના કરાવ્યું હોવાથી નીચે રહેતા સભ્યને ભારે તકલીફ વેઠવી પડતી હતી, આ પછી તેમણે નિશ્ચિત સમયમાં કામ પૂર્ણ ના થતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉપરનું મકાન ભયજનક સ્થિતિમાં છે માટે તેને ઉતારી લેવામાં આવે. આ પછી મકાન માલિકે સમારકામ શરુ કરાવ્યું હતું પરંતુ તે અધૂરું છોડીને ચાલ્યા ગયા હતા.
આમ કોર્પોરેશનમાં ફરિયાદ બાદ ઉપરના માળે રહેતા સભ્યએ રિનોવેશન શરુ કરાવ્યા બાદ કામ અધૂરું છોડી દેતા કાયદાકીય પ્રક્રિયા આગળ વધીને મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. કામ અધૂરું છૂટી જતા જતા નીચે રહેલા સભ્યના ત્યાં પાણી ગળવા સહિતની મુશ્કેલીનો વર્ષોથી સામનો કરવો પડી રહ્યો હતો.
આ મામલો હાઈકોર્ટની ચીફ જસ્ટિસની ખંડપીઠ પાસે પહોંચતા ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એજે શાસ્ત્રીની ખંડપીઠે અલ્ટીમેટમ આપતા કહ્યું કે, તમે બે મહિનાથી સંતાકૂકડી રમી રહ્યા છો, હવે બહુ થયું. તમે કોન્ટેમ્પ્ટ તો કરી જ દીધી છે. હવે તમને ૧૫ દિવસનો સમય આપીએ છીએ. સમારકામ પૂર્ણ કરો અથવા તમને જેલમાં મોકલી આપીશું.
અરજદાર તરફથી કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે, “અમે રો-હાઉસમાં નીચેના માળ પર રહીએ છીએ, ૨૦ પહેલા મકાનનું રિનોવેશન શરુ કર્યું હતું ને તોડફોડ કરાવી હતી. પણ રિનોવેશન અધૂરું છોડીને તેઓ ચાલ્યા ગયા હતા.
જેના કારણે અમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.” ફરિયાદીએ આગળ જણાવ્યું કે પ્રતિવાદી વેપારી છે અને તેમના બે દીકરા ડૉક્ટર છે અને બન્ને દીકરાના શાહીબાગમાં મકાન છે. એ રીતે તેમને આર્થિક મુશ્કેલી પણ નથી, પરંતુ તેઓ કાયદાનો ભંગ કરી રહ્યા છે.SS1MS