નવરંગપુરા બસ સ્ટેન્ડ નજીક કોમ્પલેક્ષના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
અમદાવાદ, શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કારણે ટ્રાફિક તેમજ અન્ય સમસ્યાઓ ઉદભવી રહી છે. બિલ્ડરો દ્વારા અથવા દુકાનદારો દ્વારા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ટીમે બુધવારે અમદાવાદના પશ્ચિમના પોશ વિસ્તાર ગણાતાં નવરંગપુરામાં સપાટો બોલાવ્યો છે અને ગેરકાયદેસર બિલ્ડીંગોના દબાણોને દૂર કરાયા છે.
અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કોમર્શિયલ બિલ્ડીંગની બહાર ગેરકાયદેસર રીતે દુકાનો બહાર ખેંચી લેવામાં આવે છે અને દુકાનદારો વપરાશમાં લેતા હોય છે. કેટલાંક બિલ્ડીંગોમાં સીડીનો ભાગ અથવા ભોંયરામાં પાર્કિગની જગ્યામાં દુકાનો ઉભી કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર રીતે દબાણ કરતાં દુકાનદારો, બિલ્ડરો પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મ્યુ. તંત્ર સજ્જ બન્યુ છે, અને આવનારા સમયમાં ડીમોલીશનની કામગીરી વધુ તેજ કરવામાં આવશે.
શહેરના પૂર્વ વિસ્તારમાં પણ સવારથી જ દુકાનદારો વેચાણની વસ્તુઓ ફૂટપાથ પર ગોઠવી દેતા હોય છે. જેને કારણે લોકોને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે. રસ્તા પર ટ્રાફિક અને પાર્કિગની સમસ્યા તો વર્ષોથી છે. તેમજ હાલમાં જ ટ્રાફિકના નવા નિયમો આવતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે.