Western Times News

Gujarati News

નવરાત્રીમાં મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવો પડશે

Files Photo

ગાંધીનગર: નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી શકાશે. કોરોના વાયરસના સંક્રમણને કારણે પ્રસાંદ બંધ પેકિંગમાં આપવામાં આવે તેવી રાજ્ય સરકાર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. મંદિરમાં દર્શન બંધ અંગે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સરકારે મંદિર બંધ નથી કર્યા. મંદિર બંધ કરવાનો ર્નિણય જે-તે મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે નવરાત્રિમાં કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. ભીડ નહીં થાય તે માટે જે તે મંદિરના ટ્રસ્ટે મંદિર બંધ રાખવાનો ર્નિણય લીધો છે. મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવાનો રહેશે. અગાઉ રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્યો હતો. જેની ગાઈડલાઈનમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટે જણાવવામાં આવ્યું હતું. જો કે, આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, નવરાત્રીમાં પ્રસાદ માટેની એસઓપીમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે.

એક તરફ રાજ્ય સરકાર ૧૭મી ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ગીર અભ્યારણ, દાંડી ગાંધી સ્મારક વગેરેને ખોલી રહી છે તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાંક પ્રસિદ્ધ મંદિરો બંધ રહેશે. જેમાં પાવાગઢ ખાતે આવેલું પ્રસિદ્ધ મહાકાળી મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ ઋષિ વિશ્વામિત્રના સમયનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે. જોકે, અંબાજી મંદિર નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. પરંતુ ચાચર ચોકમાં કોઈપણ ગરબાનું આયોજન નહીં થાય તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.