ગરબા માટે તૈયાર કરાયેલું GMDC મેદાન તળાવ બન્યું
સરકાર દ્વારા આયોજીત ગરબા મહોત્સવના સ્થળ પર પાણી ભરાતા ખૈલેયાઓ નિરાશઃ પાણી ઉલેચવાની કામગીરી શરૂ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલ સવારથી વરસાદ પડવાનો શરૂ થતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે તમામ જળાશયો છલકાયા છે. જાકે ભારે વરસાદના પગલે ખેડૂતો ચિંતીત બન્યા છે અને હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે સરકારી તંત્ર એલર્ટ થઈ ગયુ છે
નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગરબા મહોત્સવના સ્થળ પર પાણી ભરાઈ જતા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર શહેરમાં સૌથી વધુ લોકપ્રિય જીએમડીસી ગરબા મહોત્સવના સ્થળ પર પણ આવુ જ દ્રશ્ય જાવા મળી રહયું છે સમગ્ર જીએમડીસી મેદાન જાણે તળાવ બની ગયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને તૈયાર કરાયેલા ડોમ સહિતના ટેન્ટો પાણીના કારણે નમી પડયા છે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જાકે રાજય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે પરંતુ આજે પણ ભારે વરસાદની આગાહીથી સરકારી તંત્ર મુંઝવણમાં મુકાયુ છે બીજીબાજુ ખૈલેયાઓ પણ નિરાશ થયા છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો હતો શહેરના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયુ હતું અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા ગઈકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદથી અનેક સ્થળો પર ઝાડ ધરાશાયી થયા હતા અને ભુવા પડવાની ઘટનાઓ પણ ઘટી હતી. અમદાવાદ શહેરમાં નવલા નોરતાની ધામધુમથી ઉજવણી થાય છે
પરંતુ ગઈકાલે પડેલા વરસાદના પગલે ખૈલેયાઓ ચિંતાતુર બની ગયા છે હવામાન વિભાગે ચાર નોરતા સુધી વરસાદ પડવાની આગાહી અગાઉથી જ કરી દીધી હતી અને તેજ પ્રમાણે અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ગઈકાલે રાત્રે વરસાદ પડયો હતો અને આજે પણ વરસાદ પડવાની આગાહી છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદના પગલે આજે સવારે પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા જાવા મળતા હતા ગુજરાત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ શહેરમાં જીએમડીસી મેદાન ખાતે આમ નાગરિકો માટે વિનામુલ્યે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ને તે સૌથી વધુ લોકપ્રિય છે
જેના પરિણામે અહી રાજયભરમાંથી લોકો ગરબા નિહાળવા આવે છે. રાજય સરકાર દ્વારા જીએમડીસી મેદાનમાં છેલ્લા ૧૦ દિવસથી ગરબા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી આ દરમિયાનમાં જ ગઈકાલે રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડતાં જ સમગ્ર જીએમડીસી મેદાનમાં પાણી ભરાઈ ગયા છે જેના પરિણામે સમગ્ર મેદાન તળાવમાં ફેરવાઈ ગયું છે.
ગરબા મહોત્સવના સ્થળ પર બનાવવામાં આવેલા ડોમ, સ્ટેજ તથા અન્ય જરૂરી ટેન્ટો તથા સ્ટોલને ભારે નુકશાન પહોચ્યું છે. જીએમડીસી વાયબ્રન્ટ ગરબા મહોત્સવના સ્થળ પર વરસાદી પાણી ભરાઈ જતાં સરકારી એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ગરબા મહોત્સવના સ્થળ પર વીજ કચેરીના કર્મચારીઓ દ્વારા વાયરીંગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલ રાત્રે પડેલા વરસાદ બાદ વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે અને સ્થળની આસપાસ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
જેના પરિણામે કોઈ મેદાનની અંદર જાય નહી સ્થળ પર ખુલ્લા પડેલા વીજ વાયરોથી મોટી દુર્ઘટના સર્જાય નહી તે માટે વીજ કંપનીઓ દ્વારા પગલા ભરવામાં આવી રહયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ લોકપ્રિય જીએમડીસી ગરબા મહોત્સવના સ્થળ પર જ પાણી ભરાતા સરકારી એજન્સીઓ ચિંતિત બની છે તેની સાથે સાથે ખૈલેયાઓ પણ મુંઝવણમાં મુકાયા છે.
જીએમડીસી મેદાનમાંથી પાણી દુર કરવા માટે જરૂરી સાધન સામગ્રી સાથે પંપો લઈ જવામાં આવી રહયા છે અને સવારથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ પણ અમદાવાદ શહેરમાં કાળા ડીંબાગ વાદળો છવાયેલા હોવાથી આજે પણ વરસાદ પડવાની શકયતાથી ચિંતામાં વધારો થયો છે. જાકે સરકાર દ્વારા પ્રથમ બે દિવસ ગરબા મહોત્સવ રદ કરવામાં આવે તેવુ ચર્ચાય રહયું છે.
જીએમડીસી મેદાન ઉપરાંત અમદાવાદ શહેરમાં અન્ય કેટલાક જાણીતા સ્થળો પર આવી જ પરિસ્પતિતિનું નિર્માણ થયું છે મંડપો અને ટેન્ટોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતાં ગરબા આયોજકોને વ્યાપક નુકશાન થયું છે અને હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે મોટાભાગના સ્થળો પર શરૂઆતના ત્રણથી ચાર દિવસ ગરબા મહોત્સવ ન યોજાય તેવી શક્યતા છે.