નવસારીથી બારડોલી વાયા સુપા વચ્ચે ₹27 કરોડના ખર્ચે 4 લેન રોડ બનાવાશે
“ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં ઝડપી અને સર્વસમાવેશક વિકાસની ભવ્ય પરંપરાને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી રહી છે”
“અમે સરકારમાં હોવાને સેવા કરવાની તક તરીકે માનીએ છીએ”: પ્રધાનમંત્રી
“સરકારે ગરીબોના કલ્યાણ પર અને ગરીબોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા પર ખૂબ ભાર મૂક્યો છે” -“દરેક ગરીબ, ગમે તેટલા દુર્ગમ વિસ્તારમાં રહેતો દરેક આદિવાસી શુદ્ધ પાણીનો હકદાર છે”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીએ આજે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આજે નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલ ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ દરમિયાન બહુવિધ વિકાસ પહેલોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા,
જેમાં 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, 12 પ્રોજેક્ટ માટે શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટ્સ માટે ભૂમિપૂજનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં પાણી પુરવઠાને સુધારવામાં મદદ કરશે, સાથે કનેક્ટિવિટી વધારવા અને જીવનની સરળતા વધારવામાં મદદ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ, કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ સ્થળ પર આદિવાસી વસતીના એકત્રીકરણની વિશાળતાની નોંધ લીધી. તેમણે ગર્વ સાથે નોંધ્યું કે આવા કાર્યક્રમોનું આયોજન આદિવાસી ભાઈઓ અને બહેનોના સતત સ્નેહને દર્શાવે છે. આદિવાસીઓની ક્ષમતા અને સંકલ્પના ગૌરવને સ્વીકારીને તેઓ નવસારીની ધરતીને નમન કરે છે.
છેલ્લા બે દાયકામાં થયેલો ઝડપી અને સર્વસમાવેશક વિકાસ અને આ વિકાસમાંથી જન્મેલી નવી આકાંક્ષા એ ગુજરાતનું ગૌરવ છે. ડબલ એન્જિન સરકાર નિષ્ઠાપૂર્વક આ ભવ્ય પરંપરાને આગળ ધપાવી રહી છે. તેમણે કહ્યું કે આજના પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં સરળતા લાવશે.
પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે કેવી રીતે 8 વર્ષ પહેલા ગુજરાતની જનતાએ તેમને દિલ્હી મોકલ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લાં 8 વર્ષમાં સરકાર લોકો અને પ્રદેશોના ઘણા નવા વિભાગોને વિકાસ પ્રક્રિયા અને આકાંક્ષાઓ સાથે જોડવામાં સફળ રહી છે. તેમણે યાદ કર્યું કે કેવી રીતે એક સમય હતો
જ્યારે ગરીબ, વંચિત, દલિત, આદિવાસીઓ, મહિલાઓ અને અન્ય સંવેદનશીલ વર્ગો તેમનું આખું જીવન ફક્ત મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં જ વિતાવતા હતા. અગાઉની સરકારોએ વિકાસને પોતાની પ્રાથમિકતા બનાવી ન હતી. મોટાભાગના જરૂરિયાતમંદ વર્ગો અને વિસ્તારો સુવિધાઓથી વંચિત હતા.
તેમણે કહ્યું કે, છેલ્લા 8 વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરીને, તેમની સરકારે ગરીબોના કલ્યાણ પર, ગરીબોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા પર સૌથી વધુ ભાર મૂક્યો છે. હવે, તેમણે આ કાર્ય ચાલુ રાખ્યું અને સરકારે કલ્યાણકારી યોજનાઓના સંતૃપ્તિ દ્વારા ગરીબોના 100 ટકા સશક્તિકરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે. પ્રધાનમંત્રીએ મુખ્ય મંચ પર પહોંચતા પહેલા, આદિવાસી સમુદાયોના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે જનતા અને લાભાર્થીઓ સાથેનો સંપર્ક વિકાસ માટે સમર્થનને નવી ગતિ આપે છે.
ગુજરાતીમાં બોલતા પ્રધાનમંત્રીએ સ્થાનિક લોકો સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યા હતા. જ્યારે તેઓ આ પ્રદેશમાં કામ કરતા હતા ત્યારે તે સમય દરમિયાનના લોકોના આતિથ્ય અને સ્નેહને તેમણે યાદ કરીને કહ્યું,
“તમારા સ્નેહ અને આશીર્વાદ મારી શક્તિ છે”. તેમણે કહ્યું કે આદિવાસી સમુદાયના બાળકોને તમામ સંભવિત તકો મળવી જોઈએ અને તેમનામાં સ્વચ્છતા, શાણપણ, સંગઠન અને શિસ્તના ગુણોની નોંધ લેવાવી જોઈએ. તેમણે આદિવાસી લોકોમાં સામુદાયિક જીવન અને પર્યાવરણ સંરક્ષણના મૂલ્યોની પણ વાત કરી હતી.
તેમણે આદિવાસી વિસ્તારોમાં પાણી સુનિશ્ચિત કરવા માટેના તેમના કામની પણ વાત કરી. 3 હજાર કરોડ રૂપિયાથી વધુની આજની યોજનાઓ અગાઉના દિવસોથી તદ્દન વિપરીત છે જ્યારે પાણીની ટાંકીના ઉદ્ઘાટન જેવી નાની બાબત પણ હેડલાઈન્સમાં આવતી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે સતત કલ્યાણ અને વિકાસના પ્રોજેક્ટ લાંબા સમયથી તેમની શાસન શૈલીનો ભાગ છે અને આ પ્રોજેક્ટ્સ લોકોના કલ્યાણ અને ગરીબ કલ્યાણનો હેતુ છે અને તે કોઈપણ ચૂંટણીલક્ષી વિચારણાથી પર છે. ગમે તેટલા દુર્ગમ વિસ્તારમાં રહેતા દરેક ગરીબ, દરેક આદિવાસી સ્વચ્છ પાણી મેળવવાનો હકદાર છે, તેથી જ આવા મોટા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવે છે, તેમણે આગળ કહ્યું કે શિલાન્યાસ અને ઉદ્ઘાટન બંને તેમના દ્વારા કરવામાં આવે છે તે પ્રધાનમંત્રીની વિશેષતા છે. પ્રોજેક્ટને સમયસર પૂરો કરવા માટે વર્ક કલ્ચરમાં મોટા પાયે ફેરફાર કરાયા છે.
અમે સરકારમાં હોવાને સેવા કરવાની તક તરીકે ગણીએ છીએ”, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. અમે પ્રતિબદ્ધ છીએ કે જૂની પેઢી દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે સમસ્યાઓનો સામનો અમારી નવી પેઢીને કરવાનો ન થાય. તેથી જ આ યોજનાઓ, સ્વચ્છ પાણી, બધા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે એ સમયને યાદ કર્યો જ્યારે આ પ્રદેશમાં એક વિજ્ઞાન શાળા પણ ન હતી જ્યારે હવે મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓ આવી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, વ્યવસાય, કનેક્ટિવિટી સંબંધિત યોજનાઓ દ્વારા સૌથી દૂરના વિસ્તારોમાં જીવન બદલાઈ રહ્યું છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા બદલ ડાંગ જિલ્લા અને દક્ષિણ ગુજરાતની પણ પ્રશંસા કરી હતી. માતૃભાષામાં શિક્ષણ, તબીબી અને એન્જિનિયરિંગ જેવા ટેકનિકલ અભ્યાસક્રમો માટે પણ, ઓબીસી, આદિવાસી બાળકો માટે તકો ખોલશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વન બંધુ યોજનાના નવા તબક્કાના અમલ માટે રાજ્ય સરકારની પણ પ્રશંસા કરી હતી.
અમે સર્વગ્રાહી, સર્વસમાવેશક અને સમાન વિકાસ માટે કામ કરી રહ્યા છીએ, એમ પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે ₹961 કરોડની 13 પાણી પુરવઠા યોજનાઓનું ભૂમિપૂજન કર્યું હતું. તેમણે નવસારી જિલ્લામાં લગભગ ₹542 કરોડના ખર્ચે નિર્માણ થનારી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ કર્યું હતું, જે પ્રદેશના લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રીએ લગભગ ₹586 કરોડના ખર્ચે બનેલા મધુબન ડેમ આધારિત અસ્ટોલ પ્રાદેશિક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તે પાણી પુરવઠાના એન્જિનિયરિંગ કૌશલ્યોની અજાયબી છે. ઉપરાંત, ₹163 કરોડના ‘નલ સે જલ’ પ્રોજેક્ટ્સનું પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું સલામત અને પૂરતું પાણી પૂરું પાડશે.
પ્રધાનમંત્રીએ તાપી જિલ્લાના રહેવાસીઓને વીજળી પૂરી પાડવા માટે ₹85 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા વીરપુર વ્યારા સબસ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ગંદા પાણીના શુદ્ધિકરણની સુવિધા માટે ₹20 કરોડના મૂલ્યના 14 MLDની ક્ષમતાવાળા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ નવસારીમાં રૂ. 21 કરોડથી વધુના ખર્ચે બનેલા સરકારી ક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પિપલાઈદેવી – જુનેર – ચિચવિહિર – પીપલદહાડથી બાંધવામાં આવેલા રસ્તાઓ અને ડાંગમાં લગભગ 12 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલી શાળાની ઇમારતોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે ₹549 કરોડની 8 પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. નવસારી જિલ્લામાં ₹33 કરોડના ખર્ચે નિર્માણ થનાર ખેરગામ અને પીપલખેડને જોડતા પહોળા રસ્તાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.
નવસારીથી બારડોલી વાયા સુપા વચ્ચે આશરે ₹27 કરોડના ખર્ચે અન્ય ચાર માર્ગીય રસ્તો બનાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ જિલ્લા પંચાયત ભવનના નિર્માણ માટે અને ડાંગમાં અનુક્રમે રૂ. 28 કરોડ અને 10 કરોડના ખર્ચે રોલર ક્રેશ બેરિયર પૂરા પાડવા અને ફિક્સ કરવા માટે શિલાન્યાસ પણ કર્યો હતો.