Western Times News

Gujarati News

PM નવસારીમાં નવી GMERS મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તેમની એક દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસમાં તેઓ ગુજરાતને મોટી ભેટ આપશે. વડાપ્રધાન નવસારીમાં નવી GMERS મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. છેલ્લા ૫ વર્ષમાં એઈમ્સ સહિત ગુજરાતમાં ૯ મેડિકલ કોલેજના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે.આ મહત્વના પ્રોજેક્ટ અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “આ મેડિકલ કોલેજ નવસારી અને તેની આસપાસના ૫ જિલ્લામાં રહેતા લગભગ ૧ કરોડ લોકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.

આ પ્રોજેક્ટ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે. અમે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં વિશ્વ કક્ષાની ટેકનોલોજી અને આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ. હું વડાપ્રધાનનો આભારી છું કે તેમણે છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતને ૯ નવી મેડિકલ કોલેજાેની ભેટ આપી છે. મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતની આ વધતી જતી સિદ્ધિ ગુજરાતને આવનારા સમયમાં મેડિકલ ટુરીઝમ તરીકે સ્થાપિત કરશે.”

આ નવી મેડિકલ કોલેજ રૂ. ૫૪૨.૫૦ કરોડના ખર્ચે ૨૦ એકર વિસ્તારમાં બનશે. કોલેજના નિર્માણના ખર્ચ ઉપરાંત, રાજ્ય સરકાર મેડિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ, મેડિકલ ઈક્વિપમેન્ટ અને હોસ્પિટલના હાર્ડવેર માટે લગભગ રૂ. ૭૪ કરોડનો ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂરો કરવાનો રાજ્ય સરકાર દ્વારા ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ઉપરાંત નવસારીમાં હાલમાં ૫ એકર વિસ્તારમાં કાર્યરત સરકારી હોસ્પિટલને પણ અપગ્રેડ કરવામાં આવશે.

નવી મેડિકલ કોલેજની ટેકનિકલ વિગતો વિશે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ મેડિકલ કોલેજને ૪૪૬ પથારીની સુવિધા સાથે Tertiary Care Hospital તરીકે વિકસાવવામાં આવશે અને તે સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

તેમાં લગભગ તમામ બીમારીઓ માટે ઓપીડીની સુવિધા સાથે ૭ મેજર ઓપરેશન થિયેટર, ૯ માઈનોર ઓપરેશન થિયેટર, ૭ ઈન્ટેન્સિવ કેર યુનિટ, ૬ ડેડિકેટે ICU બેડ્‌સ સાથે ૩૦ બેડ્‌સ વાળા અત્યાધુનિક કટોકટી તબીબી વિભાગ, કમ્પોનેન્ટ સેપરેશન સુવિધાયુક્ત બ્લડ બેન્ક, ફાર્મસી એન્ડ ક્લિનીકલ લેબોરેટરીઝ, ૨૬ જનરલ વોર્ડ અને ૧૩ આઉટપેશન્ટ વિભાગની સુવિધા હશે.”

આ નવી મેડિકલ કોલેજ માટે ૧૨૫ ડોક્ટર્સ, લગભગ ૬૦૦ નર્સ અને અન્ય ટેકનિકલ સ્ટાફ સહિત કુલ ૭૨૫ લોકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત, આ કોલેજમાં દર વર્ષે ૧૦૦ વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરી શકશે. છેલ્લા ૫ વર્ષમાં ૯ નવી મેડિકલ કોલેજાેને મંજૂરી મળવાથી ગુજરાતમાં MBBSની ૫૮૦૦ બેઠકો વધી છે અને આગામી સમયમાં આ મેડિકલ કોલેજાેમાં લગભગ ૬૫૦૦ ડોક્ટર્સ, નર્સ અને અન્ય ટેકનિકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.