નવસારીમાં પતિએ છૂટાછેડા ન આપતા પત્નીએ પ્રેમી સાથે મળી હત્યા કરી નાંખી
નવસારી: નવસારી જલાલપોપના ઊભરાટથી દીપલા ગામ તરફ જતા નહેર પાસે મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ કેસમાં પત્નીએ પ્રેમીના મિત્રો સાથે મળીને તેના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પત્ની સાથે હત્યામાં સામેલા પ્રેમીના મિત્રોની ધરપકડ કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્ય આરોપી એવા પ્રેમીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મુંબઈ રહેતી મહિલાએ પ્રેમી અને બે સાગરીત સાથે ઉભરાટ આવી પતિનું કાસળ કાઢયું. પોલીસ તપાસમાં બેવફા પત્નીનો ભાંડો ફૂટ્યો છે.
મુંબઈના બોઈસર વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય પ્રમોદ સિંહ ટેક્સટાઈલના ક્ષેત્રમાં નોકરી કરતા હતા. ત્યારે લગ્નજીવનના ૧૪ વર્ષના ગાળા દરમિયાન પત્ની પ્રીતિસિંહને ભોજપુર, બિહારના પ્રેમી વિનોદસિંહ સાથે છેલ્લા ૫ વર્ષથી આડા સંબંધો હતા. જેને લઈ પ્રેમમાં બાધારૂપ પતિ પ્રમોદનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. પ્રમોદ બિરજા સિંહ મહારાષ્ટ્રના પાલઘર ખાતે તેમની પત્ની પ્રીતિ સિંહ અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીએ પતિ પાસે છૂટાછેડા પણ માંગ્યા હતા પરંતુ પતિ આપતો ન હતો. જેથી પત્નીએ આખો પ્લાન બનાવ્યો હતો.
૧૫ માર્ચના રોજ પત્ની પ્રીતિસિંહ તેના પતિ પ્રમોદને ફરવા અને કપડાં ખરીદવા માટે સુરત લાવી હતી. જ્યાં પ્લાન મુજબ પ્રેમી વિનોદના સગા અને સુરતના પાલમાં રહેતા રિક્ષાવાળા ચંદ્રભૂષણ ઉર્ફે બજરંગી અને અનિકેત ઉર્ફે વિકી સાથે ઉભરાટ દરિયા કિનારે ફરવા ગયા હતા. ઉભરાટ પાસેના નિમલાઈ ગામના ર્નિજન વિસ્તારમાં રસ્તામાં બાથરૂમ માટે રિક્ષામાંથી ઉતરેલા પ્રમોદસિંહ પર અચાનક હુમલો કર્યો હતો. તેને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન પત્નીએ પણ લાકડા વહે હુમલો કર્યો અને પ્રમોદનું મોઢું પાણીમાં નાખી તેનું મોત ન થાય ત્યાં સુધી દબાવી રાખ્યો હતો.
પત્ની પ્રીતિએ ત્રણ દિવસ બાદ ફરીયાદ કરી નવસારી મરોલી પોલીસને લૂંટ વિથ મર્ડરની ફિલ્મી સ્ટોરી કહી ચકરાવે ચઢાવી હતી. જેમાં પ્રથમ તબક્કે જ શંકાના દાયરામાં આવેલી પત્ની સખત તપાસમાં ભાંગી પડી હતી. અને કેસ ઉકેલાયો હતો. મરોલી પોલીસે મહિલાને ઘટનાસ્થળ બતાવવા માટે માગણી કરતા મહિલા પોલીસ પહેલાની જગ્યાએ પહોંચીને રિક્ષાવાળા સાથે જઈ લાશને શોધી કાઢી હતી. જેને લઇને પોલીસને મહિલા આરોપી હોવાની શંકા દ્દઢ બની હતી. કેસ એલસીબી અને મરોલી પોલીસની સંયુક્ત કામગીરી રૂપે ઉકેલવામાં આવ્યો છે.
જેમાં પોલીસે હાલમાં પત્ની પ્રિતી સહિત હત્યામાં સામેલ અને સુરત રહેતા પ્રેમી વિનોદના સાગરીત વિકી અને ચંદ્રભૂષણ ઉર્ફે બજરંગીની ધરપકડ કરી છે. ત્યારે પ્રેમી વિનોદ ફરાર થયો છે. તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.